કચ્છનો દરિયો બન્યો નશીલા પદાર્થોના વેપારનો મુખ્ય દ્વાર, ડ્રગ્સ બાદ ચરસના પેકેટ પકડાયા

Contact News Publisher

ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલો કચ્છ જિલ્લો ભૂગોળની દૃષ્ટિએ એક ખૂબ જ કઠિન વિસ્તાર છે. દેશના સૌથી મોટા જિલ્લાની મોટા ભાગની ઉત્તરી સીમા પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઇ માર્ગે જોડાયેલી છે. તો જમીન અને દરિયા ઉપરાંત આવેલું ક્રીક વિસ્તાર આ સરહદની રખેવાળી માટે ખૂબ કઠિન બને છે. છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાંથી ભારતમાં વિવિધ પ્રકારના માદક દ્રવ્યો ઘુસાડવા માટે કચ્છ એક સોફ્ટ એન્ટ્રી પોઇન્ટ તરીકે સાબિત થયું છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર ગત વર્ષે 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયા ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષોથી કચ્છની સમુદ્રી સીમાઓ પરથી દરિયામાંથી કરોડોની કિંમતનું ચરસ પણ વહી આવ્યા છે.

તો 2021માં તેના પહેલાંના બે વર્ષનો રેકોર્ડ તોડી સૌથી વધારે 3000થી વધારે પેકેટ પકડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન દરેક સુરક્ષા એજન્સી દ્વારા સમયાંતરે તપાસ આદરી મોટી માત્રામાં ચરસના પેકેટ પકડી પાડ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે આ ચાર મહિનામાં જ સુરક્ષા એજન્સીઓને 34 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા છે. જેમાંથી ચાલુ એપ્રિલ મહિનામાં જ ત્રણ વખત કચ્છના અબડાસા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. તો આ ત્રણ વર્ષમાં મળેલા પેકેટને ખૂબ સારી રીતે પેક કરેલા હોય છે જેથી પાણી અંદર ઘુસી શકે નહીં તેમજ તેના પર કોફી હોવાનું લખાણ પણ લખેલું હોય છે.

છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસાડવામાં આવતું ચરસ અનેક સવાલો ઉભા કરે છે. સુરક્ષા એજન્સીઓ તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દરેક દિશામાં તપાસ કરી રહી છે ત્યારે દરેક તારણની શક્યતાઓ પર પણ તપાસ થઈ રહી છે.

તો એક સુરક્ષા એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છ પાસે આવેલી આંતરાષ્ટ્રીય જળ સીમા પરથી અનેક પાકિસ્તાની માછીમારો ભારતીય સીમામાં ઘૂસી આવતા પકડાઈ જાય છે. જો કે, મોટે ભાગે તેમની પાસેથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળતી નથી. તે જ રીતે કચ્છ મારફતે ભારતમાં ચરસ ઘુસાડવા માગતા લોકોને જ્યારે જવાનોના હાથે પકડી જવાની આશંકા હોય ત્યારે તેઓ મધદરિયે આ ચરસના પેકેટ પાણીમાં ફેંકી દેતા હશે. જેથી દરિયામાં ભરતી અને ઓટ મુજબ આ પેકેટ કચ્છના દરિયાકાંઠે તણાઈ આવતા હશે. ચરસ મળવાના આ બનાવો પાછળ સૌથી તાર્કિક કારણ આ જ છે તેવું અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *