ગુજરાતના ડેમોમાં વાપરવા લાયક પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉ.ગુજરાત-કચ્છમાં પાણીનો પોકાર

Contact News Publisher

ગુજરાતમાં 47 ડિગ્રીએ પહોંચેલી ગરમીથી લોકોને હાલમાં રાહત છે. કાળઝાળ ગરમીને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સમસ્યા વધારે ગંભીર બની છે. રાજ્યના જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં પણ પાણીની સંગ્રહ ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. સૌથી કપરી સ્થિતિ ઉત્તર ગુજરાત અને કચ્છની થઈ રહી છે. છેવાડાના ગામડાંમાં પાણીના પોકાર થઈ રહ્યા છે, જેના કારણે 40 જેટલા ગામોમાં રોજના 115 કરતાં વધુ ટેન્કરના ફેરા થઈ રહ્યા છે.

નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતા 19.46 ટકા છે.
ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જીવંત સંગ્રહ માંડ 7 ટકા છે, એમાંય સાબરકાંઠામાં 3.50 ટકા, બનાસકાંઠામાં 4.77 ટકા, અરવલ્લીમાં 5.47 ટકા અને મહેસાણામાં 9.95 ટકા જીવંત પાણીનો સંગ્રહ બચ્યો છે. કચ્છના ડેમોમાં 8.47 ટકા ઉપરાંત સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 2.35 ટકા, બોટાદમાં 3.68 ટકા, જામનગરમાં 16.52 ટકા, જૂનાગઢમાં 18.65 ટકા, પોરબંદરમાં 19.54 ટકા, સુરેન્દ્રનગરમાં 18.73 ટકા પાણીનો જીવંત સંગ્રહ છે.નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતા 19.46 ટકા છે.

રાજ્યના 203 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે
મધ્ય ગુજરાતમાં સૌથી ખરાબ સ્થિતિ ખેડાના ડેમની છે, જ્યાં પાણી જ નથી. જ્યારે દાહોદમાં 20.70 ટકા પાણીનો જીવંત સંગ્રહ બચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 8.96 ટકા, નવસારીમાં 10.28 ટકા, ભરૂચમાં 32.90 ટકા જીવંત સંગ્રહ છે, સૌરાષ્ટ્રમાં ગત ચોમાસાની સિઝનમાં સારો વરસાદ પડયો હતો, જેના કારણે સુરત-નવસારીને બાદ કરતાં મોટા ભાગના જિલ્લામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ કપરી સ્થિતિ નથી.ગુજરાતમાં અત્યારે 70 ટકા કે તેથી નીચે પાણી હોય તેવા ડેમની સંખ્યા 203 છે.

ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના
હવામાન વિભાગ અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ બંને મુજબ, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ-પશ્ચિમી ચોમાસું 15મી મે આસપાસ આંદામાન અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં પહોંચી જશે. પૂર્વાનુમાન પ્રમાણે, આ વર્ષે ભારતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ પહેલાં એટલે કે 27મી મેના રોજ આવી જશે. એનું સૌથી પહેલું આગમન કેરળમાં થશે. કેરળમાં વરસાદ પડશે એ પછી દેશભરમાં લોકોને લૂથી રાહત મળશે. બીજી તરફ સ્કાયમેટ દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો આમ થયું તો રાજ્યમાં આગામી વર્ષે પાણીની તંગીની સ્થિતિ સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *