આરોગ્ય કર્મીઓની લડતના મંડાણ : ૮મીથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન

Contact News Publisher

ભુજ : રાજ્યના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું લાંબા સમયથી નિરાકરણ આવી રહ્યું ન હોઈ એક પછી એક વિભાગના સંગઠનો સરકાર સામે બાંયો ચડાવી હડતાળ – ધરણા સહિતના એલાનો આપી રહ્યા છે. ત્યારે જન આરોગ્યને સ્વસ્થ રાખવાની જવાબદારી ધરાવતા રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સના ભથ્થા, ગ્રેડ પે સહિતના પ્રશ્નો મુદ્દે લડી લેવાના મુડમાં હોઈ ૮મીથી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અપાયેલા એલાનમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાવાના હોઈ જિલ્લામાં સોમવારથી આરોગ્ય સેવા પ્રભાવિત બની શકે તેમ છે.આ અંગેની વિગતો મુજબ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા કાળમાં રાત – દિવસ જોયા વગર આરોગ્ય કર્મચારીઓ પોતાની સાથે પરિવારજનોની પણ પરવા કર્યા વિના દર્દીઓની સેવા માટે ખડેપગે રહ્યા હતા. કોરોના ઉપરાંત રસીકરણમાં પણ આરોગ્ય કર્મચારીઓની કામગીરીની નોંધ લેવાઈ હતી. રસીકરણ કેન્દ્ર ઉપરાંત વિવિધ સ્થળોએ કેમ્પો, મેગા ડ્રાઈવ યોજીને હજારો લોકોને રસીનું કવચ પુરૂં પાડવામાં આવ્યું હતું. સરકારે આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સનું બિરૂદ આપી કર્મચારીઓને કોરોના ભથ્થું આપવાની જે તે સમયે જાહેરાત પણ કરી હતી. જો કે આ જાહેરાત ખુબ જ લાંબો સમય વીતી ચુકયો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓને કોરોના ભથ્થું મળ્યું નથી. બીજીતરફ ગ્રેડ પે સહિતના મુદ્દે પણ કર્મચારીઓને વારંવાર ઠાલા આશ્વાસનો જ અપાઈ રહ્યા છે. પડતર માંગણીઓના નિરાકરણ માટે આરોગ્ય કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવા, પ્રતિક ધરણા યોજવા સહિતના અનેક કાર્યક્રમો અગાઉ યોજાઈ ચુકયા છે. જો કે, આ કાર્યક્રમો છતાં પણ તેઓની માંગણીઓ સંતોષાઈ ન હોઈ અંતે હવે રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણ મુદ્દે લડી લેવાનું મન બનાવી લીધું હોઈ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આગામી ૮ ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આ હડતાળમાં કચ્છના આરોગ્ય કર્મચારીઓ પણ જોડાશે.આ સંદર્ભે કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ વિગતો આપતા જણાવ્યું કે, કોરોના વોરિયર્સના ભથ્થા, ગ્રેડ પે સહિતના પડતર પ્રશ્નો મુદ્દે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આગામી ૮મીથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન અપાયું હોઈ તેમાં કચ્છના પણ જુદી જુદી કેડરના ૬પ૦ થી વધુ કર્મચારીઓ જોડાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *