કચ્છમાં ગૌવંશના ટપોટપ મોતનો સીલસીલો અવિરત

Contact News Publisher

ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની પ્રથમ લહેરની જેમ વર્તમાને લમ્પી વાયરસે પણ કચ્છમાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્યના ર૦ જિલ્લાઓ લમ્પીથી અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ અસર કચ્છમાં હોઈ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી અને પશુપાલન મંત્રી પણ જિલ્લાની મુલાકાતે દોડી આવ્યા હતા. સરકારી તંત્રના ચોપડે અત્યાર સુધીમાં નોંધાયેલા મૃત્યુના આંકડા અને વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત હોવાના આક્ષેપો પણ પશુપાલકો અને ગૌરક્ષકો દ્વારા ઉઠી રહ્યા છે. કચ્છમાં વિકરાળ પંજો ફેલાવી ચુકેલો લમ્પી વાયરસ બેકાબુ બનતા ગૌવંશના ટપોટપ મોતનો સીલસીલો અવિરત રહેવા પામ્યો છે.આ અંગેની વિગતો મુજબ પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયામાં કચ્છમાં લમ્પીથી મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહોના નિકાલ સંદર્ભે પ્રગટ થયેલા અહેવાલો બાદ સરકાર એક્શન મોડમાં આીવ હતી. સરકારે રોગચાળાને દૂર કરવા માટે ત્વરિત કામગીરી શરૂ કરીને તેના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લેવાના શરૂ કરી દીધા છે. આ ઉપરાંત કચ્છમાં રસીકરણમાં મદદ માટે કામધેનુ યુનિવર્સિટીના ૧૭૫ લોકોને પણ મોકલવામાં આવ્યા છે. લમ્પી વાયરસના કહેરના પગલે મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ વિભાગે યુદ્ધના ધોરણે રસીકરણનો આદેશ કરાયો છે. લમ્પી વાયરસ રાજ્યના ૨૦ જિલ્લામાં ફેલાયો છે જ્યારે કચ્છ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. કચ્છમાં અસરગ્રસ્ત પશુઓને અલગ કરવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ આઇસોલેશન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. જિલ્લામાં ૫૮ વેટરનરી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. જિલ્લામાં સર્વેલન્સ ટીમો દ્વારા રાઉન્ડ ધી કલોક કામગીરી ચાલી રહી છે. દૈનિક ર૪ હજાર આસપાસ પશુઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. સરકારી આંકડા મુજબ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા ર૧૭૬ બતાવાઈ રહી છે, બીજીતરફ લમ્પીથી અસરગ્રસ્ત ગૌવંશોના દૈનિક મૃત્યુનો સરકારી ચોપડે નોંધાતો આંકડો પણ ચિંતાજનક જણાઈ રહ્યો છે. ગઈકાલે જિલ્લામાં નવા કેસોની સંખ્યા સરકારી ચોપડે પર દર્શાવાઈ હતી. તેની સામે મૃત્યુનો આંક ૮૮ બતાવાયો છે. જીવલેણ વાયરસ વધુમાં વધુ પશુઓને ઝપેટમાં લઈ રહ્યો હોઈ રોજીંદા ૪પ થી પ૦ નવા કેસ સામે આવી રહ્યા છે. ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લાનો વિસ્તાર ખુબ જ મોટો હોઈ તંત્ર દ્વારા શક્ય તમામ કામગીરી કરાઈ રહી હોવા છતાં દુર્ગમ વિસ્તારોમાં રહેલા પશુઓ સુધી પુરતી સારવાર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હોઈ પશુઓના મોત હજુય નિપજી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એકતરફ લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. બીજીતરફ કોરોનાની જેમ લમ્પી વાયરસનું સેમ્પલ લીધા બાદ રીપોર્ટ આવવામાં પણ ૪૮ કલાકથી વધુનો સમય નિકળી જતો હોઈ પશુઓને સારવાર આપવામાં વિલંબ થાય છે જેના લીધે રોગ પશુના શરીરમાં વધુ ફેલાતો હોઈ મૃત્યુઆંક પણ ઉંચકાયો છે. દરમ્યાન એવી વિગતો પણ સામે આવી રહી છે કે, લમ્પી વાયરસના સેમ્પલની ચકાસણી માટે દેશમાં માત્ર ભોપાલ અને બેંગ્લોર ખાતે જ લેબ ઉપલબ્ધ હોઈ પશુપાલન વિભાગના અધિકારી સેમ્પલને ટ્રેન મારફતે ભોપાલ કે બેંગ્લોર પહોંચાડે છે અને સેમ્પલ આપ્યા બાદ ૪૮ કલાકે રીપોર્ટ આવે છે. એટલે કે રીપોર્ટ આવતા ૩ દિવસ જેટલો સમય લાગી જાય છે જેથી પશુની સારવાર કરવામાં સમય લાગે છે અને પશુઓના મોત નીપજી રહ્યા છે.

માત્ર પશુપાલનથી ઘર ચલાવતા પરિવારો પર તુટ્યો દુઃખનો પહાડ

પાલતુ પશુઓના મોતથી પરિવારજનો સ્વજન ગુમાવ્યાનો વ્યકત કરે છે વસવસો : અનેક માલધારીઓની રોજીરોટી જ છીનવાઈ જતા પરિવારનું ભરણ પોષણ કરવું બન્યું મુશ્કેલ

ભુજ : જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં લમ્પી વાયરસ પ્રસરી ગયો છે, અનેક ગૌવંશના મોત થઈ રહ્યા છે, તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં લમ્પી વાયરસના કારણે જિલ્લામાં હજુય ગૌવંશોના મોતનો સીલસીલો જારી રહેવા પામ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં રપ૦૦૦થી વધુ ગૌવંશો મોતના મુખમાં ધકેલાઈ ચુકયા હોવાનો દાવો પશુપાલકો – માલારીઓ કરી રહ્યા છે, પરંતુ સરકારી ચોપડે માત્ર ૧પ૦૦ જેટલા પશુઓના મોત નોંધાયાના આંકડા જણાઈ રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં અનેક પશુપાલકો ખેતીની જમીન કે બીજા કોઈ વ્યવસાય વગર માત્ર પશુપાલન થકી દૂધ ઉત્પાદન કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી જીવન નિર્વાહ કરી રહ્યા છે. કેટલાક પશુપાલકો તો એવા પણ છે જેમણે ઉછીના નાણા લઈને આ વ્યવસાય શરૂ કર્યો છે. અનેક પરિવારો સંયુક્ત કુટુંબમાં રહીને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોઈ પરિવારના નાના, મોટા અને વડીલો મળી કુલ ૧પ થી ર૦ લોકોનો સંયુક્ત પરિવાર માત્ર પશુપાલન પર નિર્ભર છે. જેઓ પોતાની ગાયો ચરાવી દૂધ ઉત્પાદન થકી તેઓ પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ દિવસભર પશુધન સાથે સીમ વિસ્તારમાં ચરાવવા નીકળી પડે છે, પરંતુ હાલ તેઓના પરિવાર પર લમ્પી નામની આફત મંડરાઇ રહી છે, તેમની પાસે રહેલી ગાયો પૈકી અનેક ગાયોમાં લમ્પી વાયરસ પ્રસરી જતાં બીમાર પડી છે. તેમજ અનેક ગાયોનો લમ્પી વાયરસે ભોગ લઈ લીધો છે. પશુપાલકોની મુડી જ તેઓના પશુઓ હોય છે. લમ્પીના કારણે ગૌવંશોના ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોઈ પશુપાલકો માટે આભ તુટવા સમાન સ્થિતિ સર્જાઈ છે. પશુઓના મોત થઈ રહ્યા હોવા ઉપરાંત અનેક પશુઓ લમ્પીગ્રસ્ત બનતા દુધ ઉત્પાદન ઘટવાથી આવકમાં મોટો કાપ મુકાતા ગુજરાન ચલાવવું દિન પ્રતિદિન મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *