ભાજપનું સપનું ધૂળધાણી થઈ જશે?:પાટીદારોની 10 સહિત આ 19 બેઠક છોડાવી રહી છે ભાજપનો પરસેવો, ત્રિ-પાંખિયા જંગમાંથી હેમખેમ બહાર આવવા દોડધામ

Contact News Publisher

હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, પરંતુ લોકો રાજકીય માહોલ જામ્યો ન હોવાની ખૂબ ચર્ચા ચાલી રહી છે. જોકે આમ આદમી પાર્ટીમાં ઉપરથી માહોલ ગરમ છે, તો કોંગ્રેસ શાંત હોય એમ લાગે છે, પરંતુ ભાજપની અંદર તો ભારે રાજકીય ગરમાવો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના ઝંઝાવાતી પ્રચાર છતાં ભાજપ ટેન્શનમાં છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તો મિશન 150 પાર પાડવા દોડધામ કરી રહ્યા છે, પરંતુ 19 બેઠકે ભાજપની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે. આ 19 બેઠકમાંથી 9 બેઠક તો પાટીદારોનો ગઢ છે. એમાં પણ સુરત અને અમરેલી જિલ્લાની બેઠકોમાં ભાજપ અનેક પ્રયાસો છતાં જોખમ લાગી રહ્યું છે. આ સિવાયની 10 બેઠકમાં આંતરિક રોષ ભાજપને પરસેવો છોડાવી રહ્યો છે.

આ 19 સીટમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 10 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 8 અને એક સીટ BTPને ફાળે ગઈ હતી. આમ, ભાજપ માટે ગઈ વખતે જીતેલી 10 સીટ જાળવવાનાં પણ ફાંફાં પડી રહ્યા છે. ભાજપે જીત માટે તમામ પાસા ફેંક્યા છે, પરંતુ આંતરિક અસંતોષ તો જૂથબંધીની અસર ના થાય એની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ પૈકીની ઘણી બેઠક પર ત્રિપાંખીયો જંગ પણ જોવા મળશે, જેમાં સુરતની કામરેજ, કતારગામ અને વરાછામાં આમ આદમી પાર્ટી તો બરાબરની ટક્કર આપી રહી છે. કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેવાની તો વાત દૂર રહી, પણ આપ ફેક્ટરથી ભાજપની સીટ બચાવવા માટે પણ કપરાં ચઢાણ થઈ રહ્યાં છે.

અમિત શાહના સંસદીય મતવિસ્તારમાં આવતી ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોરને આયાતી ઉમેદવાર તરીકે ભાજપના સ્થાનિક કાર્યકરોએ સ્વીકાર્યા છે. ભાજપના કાર્યકરો કામે તો લાગી જ ગયા છે, પરંતુ સ્થાનિક સિનિયર આગેવાનોને ટિકિટ ના આપતાં આંતરિક રોષ તો જોવા મળી જ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક પાટીદાર ઉમેદવાર હિમાંશુ પટેલ છેલ્લા એક વર્ષથી પ્રચાર કામમાં લાગી જતાં મજબૂત ગ્રાઉન્ડ ઊભું કરી શક્યા છે તેવા દાવા થઈ રહ્યા છે. આમ, આંતરિક રોષ અને મજબૂત ગ્રાઉન્ડ લેવલ વચ્ચે ભાજપ આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સીટ પર સીધી શાહની નજર પણ મંડાયેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *