કચ્છના સરકારી ગોડાઉનોમાં લાગશે સીસીટીવી : જિલ્લા સ્તરે થશે મોનિટરિંગ

Contact News Publisher

ભુજ : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના લોકોને બે ટકનું ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય યોજના હેઠળ સમાવિષ્ટ કાર્ડધારકોને દર મહિને રેશનીંગની દુકાનમાંથી ઘઉં, ચોખા, તેલ, દાળ સહિતનો જથ્થો ફાળવવામાં આવે છે. લાભાર્થીઓ માટે ફાળવાતો આ જથ્થો સગેવગે થતો હોવાના વર્ષોથી આક્ષેપો ઉઠતા આવ્યા છે, પરંતુ આ કૌભાંડમાં દુકાનધારકોથી લઈ પુરવઠા તંત્રના સબંધીતો સંકળાયેલા હોઈ કયારે પણ મુળિયા સુધી તપાસ પહોંચી નથી. કોરોના કાળ દરમ્યાન સરકાર દ્વારા અનાજનો જથ્થો ડબલ કરવાની સાથે વિનામુલ્યે વિતરણ શરૂ કરાયું હતું તે વેળાએ પણ અમુક દુકાનધારકો ખુલ્લી બજારમાં જથ્થો વેચી નાખતા હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. કચ્છ જિલ્લામાં અનેક જાગૃત લોકોએ આવી ફરિયાદો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરાઈ ન હતી. અંતે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સરકારી ગોડાઉનોમાંથી બારોબાર પગ કરી જતા અનાજ પર હવે સીસીટીવી કેમેરા રૂપી ત્રીજું નેત્ર નજર રાખશે. જો કે સરકારના આ નવતર કીમીયાને કેટલી સફળતા મળશે તે આવનારો સમય જ બતાવશે.આ અંગેની વિગતો મુજબ સસ્તા અનાજનું કૌંભાંડ કે ગેરરીતિને રોકવા માટે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. કચ્છ સહિત રાજ્યના ૨૪૮ ગોડાઉનોમાં આશરે ૬૦૦૦ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. આ ગોડાઉનોનું જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે મોનિટરિંગ થશે. જિલ્લા સ્તરે ડીએસઓની કચેરીમાં મોનિટરિંગ સ્ક્રિન લગાવવામાં આવ્યો છે. તો રાજ્ય સ્તરે હેડ ઓફિસમાં સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. અહીં રાજ્યના તમામ ગોડાઉનોનું મોનિટરિંગ કરવામાં આવશે. રાજ્યના તમામ ગોડાઉનોમાં સીસીટીવી લગાવવાનો અંદાજીત ખર્ચ ૧૦૦ કરોડ થયો છે. આ કામગીરી પૂર્ણ થવાના આરે છે. સીસીટીવી થકી ગોડાઉનમાં આવતા વાહનો અને તેના જથ્થા પર નજર રખાશે. વધુમાં પુરવઠા વિભાગના વાહનોને પણ જીપીએસથી સજ્જ કરાશે. જ્યાં ગોડાઉનની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોનાકાળ દરમ્યાન પણ કાર્ડધારકોને સરકાર દ્વારા ફાળવાતો મફત અનાજનો જથ્થો સગેવગે થતો હોવાના અનેક આક્ષેપો અને ફરિયાદો ઉઠી ચુકી છે. સરહદી કચ્છ જિલ્લામાં અગાઉ પણ બોગસ બીપીએલ કાર્ડ સહિતના અનેક કૌભાંડો સામે આવી ચુકયા છે. તપાસણી દરમ્યાન દુકાનોમાંથી આધાર – પુરાવા વગરનો સરકારી અનાજનો જથ્થો પણ ઝડપાઈ ચુકયો છે. પુરવઠા તંત્રના હપ્તાનું નેટવર્ક ગોઠવાયેલું હોઈ વર્ષે દહાડે અમુક વેપારીઓ સામે સમ ખાવા પુરતી કાર્યવાહી કરવામાં આવે છે અને તેમાં પણ પાછળથી પ્રકરણને સંકેલી લેવામાં આવતો હોય છે. સરકાર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની નેમ સાથે મફત અનાજની યોજનાનો લાભ વધુને વધુ લોકોને મળી શકે તે માટે વિવિધ પગલાઓ લેવાયા છે. સસ્તા અનાજની દુકાનો મારફતે હવે અનાજ વિતરણની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગેરરીતિ અટકાવવા માટે થમ્બીંગ સહિતની નવી પદ્ધતિઓ લાગુ કરવામાં આવી છે. પરંતુ ભેજાબાજો યુક્તિ પ્રયુક્તિઓ કરી અનાજને સગેવગે કરવાની છટકબારી શોધી જ લેતા હોય છે. સરકારી ગોડાઉનમાંથી પણ અનાજની બારોબારી થતા હોવાના બનાવોને અટકાવવા માટે સરકારે હવે ગોડાઉનોને પણ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે કરોડોનો ખર્ચ કરી સીસીટીવી કેમેરાની ગોઠવણ કરી છે, ત્યારે સરકારનો આ પ્રયાસ ગેરરીતિ પર કેટલા અંશે અંકુશ લાવી શકે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News