વાડીએ મટનની મિજબાની માણવા એકઠાં થયાં ને ડખ્ખો થતાં એકની લોથ ઢળી ગઈ

Contact News Publisher

નલિયાઃ અબડાસાના રામપર (અબડા) નજીક હરીપરમાં વાડીએ મટનની મિજબાની માણવા એકઠાં થયેલાં ચાર શખ્સો વચ્ચે અચાનક ઝઘડો થતાં ઉશ્કેરાયેલાં એક શખ્સે છરીથી બે જણ પર હુમલો કરી એકને મોતને ઘાટ ઉતારી દીધો છે. હુમલાની ઘટના મંગળવારે બપોરે સાડા ચારના અરસામાં ઘટી હતી, જેમાં ઘાયલ થયેલાં ૬૦ વર્ષિય વૃધ્ધનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત સાંજે બુધવારે મૃત્યુ નીપજ્યું હતું.

ફરિયાદી દેવજી ભગવાનજી બ્રહ્મભટ્ટ (ઉ.વ. ૨૬)એ પોલીસને જણાવ્યું કે મંગળવારે બપોરે પડોશમાં રહેતાં ઈશ્વર વીરજીભાઈ બ્રહ્મભટ્ટે તેના ઘરે આવીને જાણ કરી હતી કે સાંજે તારા મોટા બાપુ સ્વરૂપારામ સુજારામ બ્રહ્મભટ્ટની વાડીએ મટન બનાવવાનું છે, સાથે જમવાનું છે. સાડા ચારના અરસામાં ફરિયાદી દેવજી પડોશી ઈશ્વર સાથે પગપાળા ગામના સીમાડે તેના મોટા બાપુની વાડીએ આવ્યો હતો. સ્વરૂપારામ વાડીમાં કામ કરતાં હતા.

ફરિયાદી અને મોટા બાપુ વાતો કરતાં હતા તે સમયે ઈશ્વર એકાએક ઉશ્કેરાઈને સ્વરૂપારામના પુત્ર જાલજીને કોઈક કારણોસર ગાળો ભાંડવા માંડ્યો હતો. દેવજીએ તેને ગાળો ભાંડતા અટકાવતાં તે દેવજી સાથે પણ ઝઘડવા માંડ્યો હતો.

ઉશ્કેરાટમાં આવી જઈને ઈશ્વરે ભેટમાંથી છરી કાઢી દેવજીની કમર પાછળ, ડાબી સાથળ, જમણા ખભે, છાતી અને માથામાં ઘા ઝીંકી દીધા હતા. દેવજીને બચાવવા ૬૦ વર્ષિય સ્વરૂપારામ વચ્ચે પડતાં ઈશ્વરે તેમના પેટમાં પણ છરીનો ઘા ઝીંકી દીધો હતો. હુમલા બાદ ઈશ્વર નાસી છૂટ્યો હતો. ઘાયલ દેવજી અને સ્વરૂપારામને પ્રથમ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયાં હતા. સ્વરૂપારામને ગંભીર ઈજા હોઈ સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયાં હતા. બનાવ અંગે નલિયા પોલીસે દેવજીના બયાનના આધારે ઈશ્વર સામે ફરિયાદ દાખલ કર્યાં બાદ બુધવારે સાંજે સ્વરૂપારામનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસે FIRમાં હત્યાની કલમ ઉમેરવાની તજવીજ હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે. ફરિયાદીને સામાન્ય ઈજા હોઈ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *