મુંદરામાં ઝડપાયેલા સોપારી પ્રકરણમાં મસમોટા કારસ્તાનનો પર્દાફાશ

Contact News Publisher

તપાસમાં સામે આવ્યું કે, રો-મટીરીયલના નામે સોપારી મંગાવી ટ્રકમાં ભરી શિવાંસ ટર્મિનલમાં લઈ જવાના બદલે ટ્રકમાંથી જીપીએસ કાઢી આદિનાથ ગોડાઉનમાં લઈ જવાઈ : ખોટી બિલ્ટી બનાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરાતા ૪ ઈસમો સામે મુંદરામાં થઈ ફરિયાદ મુંદરા : અહીં રેન્જ સાઈબર ક્રાઈમે સપ્તાહ પૂર્વે દરોડો પાડીને નાના કપાયા ખાતે આવેલા ગોડાઉનમાંથી કરોડોની સોપારી કબ્જે કરી હતી. જે સાથે ૩ ગાડીઓ પણ સીઝ કરવામાં આવી હતી. જેની તપાસમાં સામે આવ્યું કે, વિદેશથી રોમટીરીયલના નામે સોપારી મંગાવીને ડયુટી ચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં મિલિભગત થતાં આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ આદિનાથ કાર્ગો ગોડાઉનના એફ/૧ ગોડાઉન કે જે અમીત ભાનુશાલી મુંબઈ કબ્જાનું છે, જેમાં રેડ કરવામાં આવી હતી. જયાંથી ટ્રક નંબર જી.જે. ૧ર બીએક્સ ૮૯૦૪માંથી પ૪ લાખ, જી.જે. ૧ર બી વાય ૬૪૮૪માંથી પ૪ લાખ અને જી.જે. ૧ર બી ડબલ્યુ ૮૦૩૩માંથી ૪૮ લાખની સોપારી કબ્જે કરવામાં આવી હતી. અને અમીત શંભુલાલ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી અમીતે કહ્યું કે, તેણે મિત્ર આદિપુરના દિપેશ માધવજી ભાનુશાલી પાસેથી ઓમકાર ઈન્ટરનેશનલના નામથી કંપની બનાવીને રો-મટીરીયલના નામે માલ મંગાવ્યો હતો. ચાર કન્ટેનરમાં રો- મટીરીયલના નામે સોપારીના કન્ટેનર મુંદરા બંદરે મંગાવી પોર્ટ પરથી ક્લિયરીંગ કરી ઉપાડવાના હોવાથી વાહનની વ્યવસ્થા કરી હતી. ચારેય ગાડીઓ પોર્ટ પરથી આરોપી દિપેશ જેમાં મેનેજર છે, તે શિવાંશ ટર્મિનલ એલએલપીમાં લઈ જવાની હતી. પરંતુ તે ગાડીઓને પોર્ટ પરથી સિધી આદિનાથ ગોડાઉનમાં લઈ જવાઈ અને તેમાં લગાવેલા જીપીએસ ટ્રેકર આરોપી મહેન્દ્રસિંહે કાઢી લીધા હતા. ચારેય કન્ટેનરમાં સીલ ખોલીને આરોપી રવિ દેઢિયાએ કન્ટેનરમાં ભરેલી સોપારી ટ્રકમાંથી ઉતારી કન્ટેનરમાં વિદેશથી જે રો-મટીરીયલનો માલ મંગાવ્યો હતો. તે ભરી આ ગાડીઓ શિવાંશ ટર્મિનલમાં મોકલાવી દિધી હતી. ત્રણ ગાડીઓ મુંદરામાંથી પકડાઈ જયારે એક ગાડી સામખિયાળી પોલીસે પકડી હતી. જયાં બોગસ બિલ્ટી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કિસ્સામાં પણ એવું જ જણાઈ આવતા ગોડાઉન માલિક અમીત શંભુલાલ કટારિયા સાથે દિપેશ માધવજી ભાનુશાલી, મુંદરાના મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા અને રવિ દેઢિયા સામે ગેરકાયદે માલ સગેવગે કરવા અને ખોટી બોગસ બિલ્ટી બનાવીને વિશ્વાસઘાત કરવાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *