ભારતની દિકરી બની વિશ્વની સૌથી નાની વયની મહિલા CA, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

Contact News Publisher

મધ્યપ્રદેશના જિલ્લા મુરૈનાની દિકરી નંદિની અગ્રવાલે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ 2021માં થયેલી CAની પરીક્ષામાં નંદિનીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેણે વિશ્વની સૌથી નાની ઉંમરની મહિલા CA તરીકે પોતાનું નામ નોંધાવ્યું છે. તે 19 વર્ષ અને 330 દિવસની ઉંમરે CA બની ગઈ હતી.

બાળપણથી ખુબ જ હોશિયાર હતી નંદિની

નંદિની હાલ મુંબઈમાં સિંગાપોર સરકારની કંપનીમાં નોકરી કરે છે. તે બાળપણથી ખુબ જ તેજસ્વી હતી. જે ઉંમરમાં બાળકોને UKG અને LKGમાં હાથ પકડીને લખતા શીખડાવવામાં આવે છે તે ઉંમરમાં નંદિની હિન્દી અને અંગ્રેજી વાંચવા અને લખવા પણ લાગી હતી. આ જોઇને સ્કૂલ મેનેજમેન્ટે તેને LKGથી બીજા ધોરણમાં પ્રમોટ કરી હતી અને તે પોતાના મોટા ભાઈ સચિન સાથે ભણવા લાગી હતી. બંને ભાઈ-બહેને CA સુધી સાથે અભ્યાસ કર્યો હતો.

વિશ્વમાં 7મી રેન્ક પ્રાપ્ત કરી હતી

વર્ષ 2021માં યોજાયેલી CA ફાઈનલની પરીક્ષામાં નંદિનીને 800માંથી 614 માર્ક્સ મળ્યા હતા અને તેણે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નંદિનીએ CA બન્યા બાદ બે આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપી હતી. જેમાં તે પહેલા ACCAની આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં દેશમાં પ્રથમ અને વિશ્વમાં 7મા નંબરે આવી હતી. આ પરીક્ષામાં 180 દેશોના CA સામેલ થયા હતા. ત્રણ મહિના પહેલા નંદિનીએ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટીમાંથી યંગેસ્ટ CA વિથ ઓલ ઇન્ડિયા રેન્ક વન વિષયમાં Phd કરી હતી.