પાકિસ્તાનની કોર્ટમાં શહીદ ભગતસિંહના કેસને ફરી ચલાવવાની પિટિશન, જાણો શું છે સમગ્ર મામલો

Contact News Publisher

પાકિસ્તાની કોર્ટમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગત સિંહના મામલા પર ફરી કેસ ચલાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

જોકે પહેલા તો ભગતસિંહને આજીવન કારાવાસની સજા કોર્ટે આપી હતી. એ પછી એક મનઘડંત કેસમાં મોતની સજા આપવામાં આવી હતી. લાહોર હાઈકોર્ટમાં આ મામલા પર ફરી સુનાવણી કરવા માટે ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પિટિશન કરવામાં આવી હતી. જે દસ વર્ષથી પેન્ડિંગ છે. આ પિટિશનમાં ભગતસિંહને મરણોપરાંત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાના અને તેમને નિર્દોષ જાહેર કરવાની પણ અપીલ કરાઈ છે.

ફાઉન્ડેશનના અધ્યક્ષ અને વકીલ ઈમ્તિયાઝ રાશિદ કુરૈશીએ કહ્યુ છે કે, આ પિટિશન કર્યા બાદ ફરી સુનાવણી માટે તેમજ તેના માટે એક કરતા વધારે જજોની બેન્ચનુ ગઠન કરવા માટે કોર્ટે વાંધો ઉઠાવ્યો છે. કોર્ટનુ કહેવુ છે કે, એક કરતા વધારે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા તેની સુનવાણી યોગ્ય નથી.

સાથે સાથે કુરૈશીએ કહ્યુ હતુ કે, વરિષ્ઠ વકીલો દ્વારા ભગતસિંહના કેસની ફરી સુનાવણની પિટિશન એક દાયકાથી પેન્ડિંગ છે. ભગતસિંહે ભારતીય ઉપખંડ માટે આઝાદીની લડાઈ લડી હતી. તેમનુ માત્ર સિખો અને હિન્દુઓ જ નહીં પણ મુસ્લિમો પણ સન્માન કરે છે.

પિટિશનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે, પાકિસ્તાનના સ્થાપક મહોંમદ અલી જિન્નાએ પણ ભગતસિંહના યોગદાનનો ઉલ્લેખ કરીને તેમને શ્રધ્ધાંજલિ આપી હતી. આ રાષ્ટ્રીય મહત્વનો મામલો છે અને તેના પર સુનાવણી કરવામાં આવવી જોઈએ.

વકીલ કુરેશીના મત બ્રિટિશ પોલીસ અધિકારી સેન્ડર્સની હત્યાની જે ફરિયાદ થઈ હતી તેમાં સિંહનુ નામ નહોતુ અને આમ છતા તેમને મોતની સજા આપવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદમાં અજાણ્યા બંદુકધારીઓનો ઉલ્લેખ હતો. બીજી તરફ તે સમયે કોર્ટે 450 જેટલા સાક્ષીઓને સાંભળ્યા વગર જ તેમને મોતની સજા આપવામાં આવી હતી. ભગતસિંહના વકીલોને કોર્ટે દલીલ કરવાનો મોકો પણ આપ્યો નહોતો.