માર્ગ ઉપર મોપેડે સ્લિપ ખાતા દંપતી પટકાયું : પતિનું મોત નિપજ્યું

Contact News Publisher

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે શહેરના ખ માર્ગ ઉપર ગઇકાલે વાવોલથી શાકભાજી લઇને પરત ફરી રહેલા દંપતિનું મોપેડ સ્લિપખાઇ જતા ગંભીર ઇઝાઓ પહોચી હતી અને તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન પતિનું મોત થયું હતું આ ઘટના અંગે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતોની ઘટના વધી રહી છે ત્યારે ગઇકાલે ખ માર્ગ ઉપર સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત થયું છે જે ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે, સરગાસણની પ્રમુખ પેસેફિક વસાહતમાં રહેતા પ્રેરણાબેન મેહુલકુમાર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે તે અને તેમના પતિ મેહુલકુમાર દિનેશચંદ્ર પટેલ તેમનું મોપેડ લઇને વાવોલ ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા અને શાકભાજી લઇને તેઓ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ખ માર્ગ ઉપર સૌંદર્ય ૪૪૪ વસાહત પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વખતે એકાએક મોપેડ સ્લિપ ખાઇ જતા મેહુલભાઇ અને પ્રેરણાબેન જમીન ઉપર પટકાયા હતા અને ડિવાઇડર સાથે માથું ભટકાયું હતું. આ અકસ્માતને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બન્ને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મેહુલભાઇનું મોત થયું હતું જ્યારે પ્રેરણાબેનની સારવાર કરવામાં આવી હતી. હાલ આ મામલે સેક્ટર-૭ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.