ગોગામેડીના પત્નીએ પૂર્વ CM ગેહલોત અને DGP પર લગાવ્યા ગંભીર આરોપ, નોંધાવી FIR; રાજ્યપાલે ગૃહમંત્રી શાહ સાથે કરી વાતચીત

Contact News Publisher

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના પત્નીએ FIR નોંધાવી છે જેમાં અશોક ગેહલોત અને DGPનું પણ નામ લખવામાં આવ્યું છે.

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદથી જ રાજસ્થાનમાં રાજપૂત સમાજમાં ભારે આક્રોશના કારણે પરિસ્થિતિ ગંભીર છે. બુધવારે સમગ્ર રાજસ્થાનમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઉતરીને દેખાવો કર્યા હતા. ગોગામેડી હત્યાકાંડમાં જયપુરના શ્યામ નગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફરિયાદમાં હાલના કેરટેકર CM અને દિગ્ગજ કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનું પણ નામ છે.

ગોગામેડીના પત્નીએ આ FIR નોંધાવી છે જેમાં તેમની ફરિયાદ છે કે તેમના પતિને વારંવાર મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેને લઈને અવાર નવાર CM અને DGPને પત્ર લખવામાં આવ્યા હતા છતાં જાણી જોઈને સુરક્ષા આપવામાં આવી નહીં. FIRમાં લખવામાં આવ્યું છે કે ATS દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા હતા કે ગોગામેડીની હત્યા કરવામાં આવી શકે છે. છતાં DGP અને મોટા અધિકારીઓએ મારા પતિને સુરક્ષા આપી નહીં. બુધવારે રાજ્યભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા હતા, જોકે તંત્રએ ગોગામેડીના પત્ની શીલા શેખાવત સાથે વાતચીત કરી અને તેમની તમામ માંગ પૂર્ણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું. જે બાદ શીલા શેખાવતે ભાવુક અપીલની સાથે જ ધરણાં પ્રદર્શન સમાપ્ત કરવાનું એલાન કર્યું. આજે ગોગામેડીનું તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તંત્રએ તમામ માંગ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું 
બુધવારે સાંજે ગોગામેડીના પત્નીએ એલાન કર્યું હતું કે જ્યાં સુધી આરોપીઓને અમારી સામે લાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંત થઈશું નહીં. પતિના નિધનથી દુખી શીલા શેખાવતે રડતાં રડતાં કહ્યું કે સુખદેવ સિંહે પોતાનું કામ પૂરી લગનથી કર્યું હતું, હવે આ માંગ પણ લગનથી પૂરી કરાવીશું.

બુધવારે સમગ્ર રાજસ્થાનમાં આ હત્યાના કારણે તણાવભરી સ્થિતિ જોવા મળી હતી. લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી. રાજ્યમાં હાલ કોઈ સરકાર નથી, ભારતીય જનતા પાર્ટીની નવી સરકાર બને ત્યાં સુધી અશોક ગેહલોત કેરટેકર મુખ્યમંત્રી છે. એવામાં રાજ્યની પરિસ્થિતિને જોતાં રાજ્યપાલ કલરાજ મિશ્રએ મુખ્ય સચિવ, ગૃહસચિવ, ડીજીપી અને જયપૂરના પોલીસ કમિશનરને રાજભવન બોલાવ્યા અને કાયદો વ્યવસ્થાને લઈને મીટિંગ કરી. રાજ્યપાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ સમગ્ર ઘટનાને લઈને વાતચીત કરી હતી. નોંધનીય છે કે ગોગામેડીને અગાઉ અનેક વાર જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા આપવામાં આવી નહોતી. આ જ કારણ છે કે સમર્થકોની અંદર ગુસ્સો વધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સુરક્ષા ન આપવા પાછળ અનેક અધિકારીઓની પણ ભૂમિકા હોઇ શકે છે. હાલ તો સમગ્ર હત્યાકાંડની તપાસ માટે SITની રચના કરી દેવામાં આવી છે. આટલું જ નહીં આ કેસની સુનાવણી પણ ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.

Exclusive News