16 થી 18 વર્ષનાં બાળકો ચલાવી શકશે ઈ-બાઈકઃ સરકાર સ્પેશિયલ લાઈસન્સ આપશે..

Contact News Publisher

૧૬ વર્ષનાં બાળકો પણ હવે કાયદેસર રીતે ઈલેક્ટ્રિક ટુ વ્હિલર કે ઈ-બાઈક ચલાવી શકશે. સરકાર તરફથી આ બાળકોને સ્પેશિયલ લાઈસન્સ જારી કરાશે. ખુબ જ જલદી કેન્દ્રીય પરિવહન મંત્રાલય તરફથી આ અંગે સૂચના જારી કરાશે. ઈલેક્ટ્રિક ટુ વ્હિલરને પ્રોત્સાહિત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

સરકારની ઈચ્છા એ છે કે બાળકોના નામ પર ઈલેક્ટ્રિક ટુ વ્હિલર આવશે તો મોટા પણ તે ચલાવશે. વર્તમાન નિયમ મુજબ ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સરકાર ટુ વ્હિલર કે ફોર વ્હિલર ચલાવવાની પરવાનગી આપતી નથી અને તેમના માટે લાઈસન્સ પણ જારી કરાતું નથી.

પરિવહન મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું કે આગામી ૧૦ થી ૧૫ દિવસની અંદર આ અંગે સૂચના જારી કરાશે.તે હેઠળ ૧૬ થી ૧૮ વર્ષનાં બાળકોને સ્પેશિયલ લાઈસન્સ અપાશે, પરંતુ તેઓ માત્ર ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ચલાવવાના જ હકદાર હશે. કોઈ અન્ય વાહન ચલાવતાં તેમના પર ભારે દંડ લાગશે. મંત્રાલય સૂત્રોના જણાવ્યા મુજબ પહેલાં પણ ૫૦ સીસીનાં મોપેડ ૧૬ થી ૧૮ વર્ષનાં બાળકોને ચલાવવાની પરવાનગી છે.

સરકાર તરફથી લોકોને ઈલેક્ટ્રિક વિહિકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરાય છે, સાથે-સાથે સરકાર તરફથી એક વધુ ડ્રાફટ રજૂ કરાયો છે તેમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપવાનો પ્રસ્તાવ છે. ઈલેક્ટ્રિક વાહનોથી પ્રદૂષણની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે. દિલ્હી સરકાર તરફથી અન્ય એક ડ્રાફ્ટ પણ તૈયાર કરાયો છે કે તેમાં તમામ રજિસ્ટર્ડ ઈલેક્ટ્રિક વિહિકલ પર વર્ષ ૨૦૨૩ સુધી ૨૫ ટકા સુધીની સબસિડી અપાશે.