ગાંધીના ગુજરાતમાં નશીલા પદાર્થો અને દારૂની રેલમછેલ! 3 વર્ષમાં પકડાયો 21061 કરોડનો વિદેશી દારૂ

Contact News Publisher

ગુજરાતમાં નશાકારક ચીજવસ્તુઓ વેચવાનું, પીવાનું અને છુ હેરફેર કરવાનું એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. રાજ્યના ગૃહ વિભાગે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 21061 કરોડનો વિદેશી દારૂ અને 21 જાતના કેફી પદાર્થો પકડાયા છે.

ગુજરાતમાંથી વિક્રમી સંખ્યામાં હેરોઈન પકડાયું
રાજ્યમાં આ સમયગાળા દરમ્યાન 1.85 કરોડ વિદેશી દારૂની બોટલો અને 20 લાખથી વધુ બિયરની બોટલો પોલીસે પકડી છે. પોલીસ જે માલસામાન પકડે છે તેનાથી અનેક ગણો જથ્થો તો બજારમાં સગેવગે થઇ જાય છે. રાજ્યમાં કેફી પદાર્થોમાં ગાંજો, બ્રાઉન સુગર, ચરસ, એમડી, એફેડ્રીન, અફીણ, હેરોઇન, કફ સીરપ, મોરફીન અને કોકેઇનનો વિપુલ માત્રામાં જથ્થો પકડાયો છે. ચોંકાવનારી વિગતો એવી પ્રાપ્ત થઈ છે કે 2022-23ના વર્ષમાં ગુજરાતમાંથી 15429.56 કરોડનું એમડી ડ્રગ્સ અને 2315 કરોડનું હેરોઈન પકડાયું છે, જે વિક્રમી સંખ્યામાં છે. ત્રણ વર્ષ પૈકી આખરી વર્ષમાં 120.41 કરોડ રૂપિયાનો તો વિદેશી દારૂ પકડાયો છે.

ગુજરાતમાંથી પોલીસે નશાકારક કફ સીરપની બોટલો જપ્ત કરી
પોલીસે પકડેલા આંકડા જોતાં એકપણ એવું ડ્રગ્સ નહીં હોય કે જે ગુજરાતમાંથી પકડાયું ન હોય. તાજેતરના વર્ષોમાં કફ સીરપની બોટલો મોટી માત્રામાં જપ્ત કરવામાં આવી છે જે આયુર્વેદની બ્રાન્ડના નામે ખુલ્લેઆમ હજી પણ વેચાઈ રહી છે. ત્રણ વર્ષમાં 85 લાખ રૂપિયાની નશાકારક કફ સીરપની બોટલો પોલીસે જપ્ત કરી છે. ગાંજો, ચરસ અને અફીણ પણ મોટી માત્રામાં પકડાયું છે.