સસ્તુ સોનું મેળવવા જતા પડી ગયા લેવાના દેવા, પોલીસની એન્ટ્રી થતા સર્જાયા ફિલ્મી દ્રશ્યો

Contact News Publisher

સસ્તુ સોનું મેળવવાની લાલચમાં વડોદરાના ઇસમને રૃપિયા પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ વાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તેમના વિસ્તારમાં નાકાબંધી ગોઠવી દીધી હતી. જેમાં મુખ્ય સુત્રધાર ગણાતો હનિફ પઠાણ તેની પત્ની સાથે કારમા ભાગતી વખતે ઓરા ચોકડી પાસે પોલીસકર્મીને ટક્કર મારી રફૂચક્કર થઇ ગયો હતો. જો કે આખરે ભાગેડુ આરોપી વડું પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાઇ ગયો  હતો.

વડોદરાના વાઘોડિયામાં રહેતા નીલ રવીન્દ્રભાઈ શાહને ગાંધીધામના મુંદ્રા પોર્ટ પર શંકર પટેલ નામના શખ્સ સાથે  સંપર્ક થયો હતો. ત્યારે તેને જણાવ્યું હતું કે સસ્તા ભાવે સોનુ,સોનાના બિસ્કીટ, આઇફોન, બ્રાન્ડેડ બુટ સહિતની વસ્તુઓ અપાવી શકે છે. તેની વાતોમાં આવી ગયેલા નીલ શાહે સસ્તુ સોનુ ખરીદવા માટે શંકરને કોલ કર્યો હતો. જેથી શંકરે તેને એક નંબર પર એપથી કોલ કરવા કહેતાં તેણે તેનો સંપર્ક કરતાં અશોક જૈન નામના વ્યક્તિ સાથે વાતચીત કરી 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ ખરીદી માટેની વાત થઇ હતી. અશોક જૈનનો સંપર્ક કરતાં તેણે વાગરાના મૂલેર પાસેનું લોકેશન આપતાં નીલ કારમાં ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન એક સફેદ સ્વિફ્ટ કાર ત્યાં આવી હતી. જે અંગે પુછતાં અશોક જૈને ફોન પર જણાવ્યું હતું કે, તે કારમાં હનિફ પઠાણ તેનો પાર્ટનર જ છે. ત્યાર બાદ કારમાંથી ત્રણ પૈકીના એક શખ્સે આવી તેમને પોતાનો ફોન આપી અબ્દુલ ખાલીદ સાથે વાત કરો તેમ કહેતાં નીલે જણાવ્યું હતું કે, તે આવા નામના કોઇ વ્યક્તિને જાણતો નથી. જોકે, તેમણે જણાવ્યું હતું કે,અબ્દુલ ખાલીદ અને અશોક જૈન એક જ ગ્રુપના છે. જેથી તેણે ફોન પર વાત કરતાં અબ્દુલ ખાલીદે તેને રૂપિયા સાથે તેની કારમાં આવવા કહેતાં નીલ તેની કારમાં બેસી ગયો હતો. દોઢેક કિમી દુર જઇને કારમાં સવાર શખ્સે લઘુશંકા માટે કાર ઉભી રખાવતાં કારમાં નીલની બાજુમાં બેસેલાં શખ્સે તેને પેટમાં લાત મારી કારમાંથી બહાર ફેંકી દઇ રૂપિયા 5 લાખની બેગ છુંટવીને ભાગી ગયાં હતાં.

બનાવને પગલે નીલે પોલીસ કંટ્રોલમાં ફોન કરી જાણ કરતાં વાગરા પોલીસ એક્શનમાં આવી ગઠિયાઓને પકડવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી હતી. જેમાં લુંટારૂ ટોળકીના મુખ્ય સુત્રધાર હનિફ પઠાણ અને તેની પત્ની નઝમાએ નાકાબંધીમાં ઉભેલાં  પોલીસકર્મી મહેશભાઈને અકસ્માત કરી નાસી છુટ્યો હતો. જોકે બાદમાં વડોદરાના વડુ પોલીસ સ્ટેશન હદમાં હનિફને પોલીસે દબોચી લીધો હતો. આ મામલે વાગરા પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓ  શંકર પટેલ, અશોક જૈન ઉર્ફે અબ્દુલ ખાલિદ,દિલીપ ઠક્કર, અબ્દુલ મઝીદ અને રિયાઝને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા  છે.

Exclusive News