શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહારો:’ભાજપને ડર લાગે છે એટલે ચૂંટણી સ્પર્ધા જોઈતી નથી, કોઈ અપક્ષ કે NOTA પણ ન રહેવો જોઈએ’

Contact News Publisher

પાવી જેતુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ એઆઇસીસીના સેક્રેટરી મુકુલ વાસનિક, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અને પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયાને લઈને પણ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ ઉમેદવાર ના રહેવો જોઇએ, અપક્ષ કે નોટા પણ ના રહેવો જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે.

આજે પાવી જેતપુર ખાતે જનસભામાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આજે મળેલા સાથ સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અહંકારનું વલણ અપનાવ્યું છે. જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ માટે નાણા વપરાવવા જોઈએ એ નાણાઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે.

એક સરકારના જ IAS અધિકારીનું હૃદય દ્રવી ઉઠ્યું અટલે કાગળ લખ્યો કે, આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. શાળામાં શિક્ષક નથી, શાળામાં સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલાં ધોરણ જેટલું પણ આવડતું નથી. બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી. આ વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે.