બારડોલીમાં દ.ગુજરાત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે:કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા સહિતના આગેવાનો હાજર રહેશે

Contact News Publisher

રૂપાલા સામે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનો બારડોલીમાં સંમેલનરૂપી સત્યાગ્રહ થનાર છે. આવનાર 28મી તારીખ ને રવિવારે સાંજે પાંચ કલાકે રાજ્યસ્તરના મોભીઓની હાજરીમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાનાર છે.

28મી એપ્રિલ ને રવિવારે મહાસંમેલનનું આયોજન
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી મામલે લડત હવે દક્ષિણ ગુજરાતમાં પહોંચી છે. ગુજરાતભરના ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી રદ કરવા વિવિધ કાર્યક્રમો આપવા છતાં ભાજપે તેઓને ઉમેદવાર તરીકે યથાવત રાખતા ક્ષત્રિય સમાજની લડત હવે સીધી ભાજપ સામે બની છે. જેના ભાગરૂપે આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ માટે દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજે ભાજપ સામે સત્યાગ્રહ છેડ્યો છે. વહીવટી મંજૂરી મેળવી આવનાર 28મી એપ્રિલે, રવિવારે મહાસંમેલનનું આયોજન કર્યું છે. સાંજે 5 વાગ્યાથી અસ્મિતા સંમેલનની શરૂઆત થશે.

દ.ગુજરાત રાજપૂતોનું સંમેલન બારડોલી ખાતે યોજાશે
રૂપાલાથી શરૂ થયેલો વિવાદ હજી સમવાનું નામ નથી લેતો. રાજ્ય ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ દ્વારા રાજકોટમાં સંમેલન યોજ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતના રાજપૂતોનું સંમેલન સત્યાગ્રહનગરી બારડોલી ખાતે યોજવાનું નક્કી કરાયું હતું. દક્ષિણ ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે. આ ક્ષત્રિય સમાજની લડાઈ છેવાડાના ગામ સુધી પહોંચી ગઈ છે. સાંજે પાંચ વાગ્યે મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતનાં રાજપૂતો ઉમટી પડશે.