કોંગ્રેસ પાર્ટીએ 6 વર્ષ માટે હકાલપટ્ટી કરી; કલ્પેશ બારોટે કહ્યું- દલાલનો ‘દલાલ’ એટલે કુંભાણી, સુરતમાં આવશે તો તેને માર પડશે

Contact News Publisher

21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. છઠ્ઠા દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરાં પગલાં લેવામાં આવ્યાં છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતને ધ્યાનમાં લઈને કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતાં જ રદ થતાં ચારેકોરથી આપ અને કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલાં નિલેશ કુંભાણીના ઘરની બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવાં બેનર લગાવ્યાં હતાં. એ બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર ‘દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો’ લખાણવાળાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં.

નિલેશ કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ
સમિતિની મળેલી બેઠકમાં જણાવ્યું હતું કે તમને કોંગ્રેસ પક્ષે સંસદની ટિકિટ આપી હતી. સૌરાષ્ટ્રના અનેક પાટીદારો તથા અન્ય સૌરાષ્ટ્રના લોકો, જેઓ સુરત સ્થિત થયા છે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો એવી પક્ષની ગણતરી હતી.

કુંભાણીએ કોઈપણ જાતનો ખુલાસો કર્યો નથી
તમારા ફોર્મને રદ થવાની બાબતમાં તમારી સંપૂર્ણપણે નિષ્કાળજી અથવા ભારતીય જનતા પાર્ટી સાથે તમારી મિલીભગત હોવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ આવી હતી. આમ છતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ તમે આવીને પૂરી સ્પષ્ટતા કરી શકો અને તમારો પક્ષ રજૂ કરી શકો એ માટે શિસ્ત સમિતિએ તમને સમય આપ્યો હતો. તમે નાટ્યાત્મક રીતે ગાયબ છો અને તમે કોઈપણ જાતનો તમારા પક્ષે ખુલાસો કર્યો નથી, જેથી પક્ષે તમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.