રાજ્યના 51 ઉમેદવારના સોશિયલ મીડિયા પર 7.78 કરોડ ફૉલોઅર્સ, જેમાં માત્ર અમિત શાહના 6.64 કરોડ, 8 મહિલા ઉમેદવારોના 15 લાખ

Contact News Publisher

લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ, કોંગ્રેસ અને આપના 51 ઉમેદવારોના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 7.78 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેમાંથી 85% એટલે કે 6.64 કરોડ ફોલોઅર્સ માત્ર અમિત શાહના છે. કુલ ફોલોઅર્સના માત્ર 2.64% ફોલોઅર્સ કોંગ્રેસ-આપ ઉમેદવારોના છે. 97 ટકાથી વધુ ફોલોઅર્સ ભાજપ ઉમેદવારોના છે.

કોંગ્રેસમાંથી સૌથી વધુ 5.31 લાખ ફોલોઅર્સ રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીના છે. ભાજપના 26 ઉમેદવારના કુલ ફોલોઅર્સ 7.58 કરોડ, કોંગ્રેસના 23 ઉમેદવારોના 18.71 લાખ અને આપના બે ઉમેદવારના 1.86 લાખ ફોલોઅર્સ છે. અહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ વગેરે જેવા માધ્યમનો સમાવેશ છે. 10 લાખથી વધુ ફોલોઅર્સ હોય તેવા 5 ઉમેદવારો છે.

8 મહિલા ઉમેદવારોના ફોલોઅર્સ 15 લાખ
સૌથી ઓછા 2834 સોશિયલ મીડિયા ફોલોઅર્સ બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના છે. 8 મહિલા ઉમેદવારોના ફોલોઅર્સની સંખ્યા 15.18 લાખ છે. જેમાં સૌથી વધુ પૂનમ માડમના 10.87 લાખ ફોલોઅર્સ છે. જ્યારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના ફોલોઅર્સ 2.07 લાખ છે. 52 ઉમેદવારોના સૌથી વધુ ફોલોઅર્સ એક્સ(ટ્વીટર) પર 3.76 કરોડ, ફેસબુક પર 2.09 કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર 1.84 કરોડ છે. જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 8.68 લાખ ફોલોઅર્સ છે.