દાણીલીમડામાં બેફામ કારચાલકે લગ્નપ્રસંગમાં કાર ઘૂસાડી દેતા 10થી વધુ લોકો ચડ્યાં અડફેટે, પોલીસ દોડતી થઈ ગઈ

Contact News Publisher

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા વાહન અકસ્માતનાં કિસ્સાઓ વધી રહ્યા છે. અકસ્માતના વધતા કિસ્સાઓને જોતા એવું લાગી રહ્યું છે કે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે પગલાં ભરવાના અમદાવાદ શહેર પોલીસનાં દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના દાણીલીમડામાં ગઈ કાલે રાતે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

10થી વધુ લોકોને લીધા અડફેટે

દાણીલીમડામાં લોખંડવાલા ફ્લેટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં ઘૂસાડી દીધી. કાર ચાલકે લગ્ન પ્રસંગમાં 10 થી વધુ લોકોને અડફેટે લીધા. આ અકસ્માત પછી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી

લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા આનંદનાં માહોલમાં ડર પ્રસરી ગયો. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.