ગુજરાતમાં સરકારી 20 હજારથી વધુ બિલ્ડિંગો ખંડેર, રિપોર્ટમાં જર્જરીત ખુલાસો, શું કરવું તેની અવઢવ

Contact News Publisher

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સરકાર દ્વારા સરકારી કર્મીઓ અને સરકારના ઉપયોગ માટે બિલ્ડીંગો બનાવેલી છે. પરંતુ જેમાંથી 20 હજાર જેટલી બિલ્ડીંગો જર્જરીત હાલતમાં હોવાની વિગતો સામે આવી છે. સરકારના વિવિધ વિભાગોની આ બિલ્ડીંગો પૈકી કેટલીને જમીનદોસ્ત કરવી અને કેટલીને રિનોવેશ કરાવવી તેનો નિર્ણય સરકાર લેશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે, એક જર્જરીત બિલ્ડીંગોની કિંમત એક કરોડ ગણીએ તો પણ 20 હજાર કરોડનો આંકડો પહોંચી જાય છે.

20 હજાર જેટલી બિલ્ડીંગો જર્જરીત ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના ધ્યાન પર આવ્યુ હતુ કે, રાજ્યની અલગ અલગ જગ્યાએ અનેક સરકારી બિલ્ડીંગો ખખડધજ હાલતમા છે. મોટાભાગની ઈમારતોનો કોઈ જ ઉપયોગ થતો નથી. ત્યારે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરી હતી. પરંતુ કેબિનેટની બેઠકમાં આ મુદ્દાને ગંભીરતાથી ન લેવાયો હોય તેવું લાગ્યું છે. અધિકારીઓને સૂચના આપી હતી કે, સરકારના કયા કયા વિભાગના કેટલા બિલ્ડીંગો વણવપરાયેલા અને ખખડધજ હાલતમાં છે તેની યાદી તૈયાર કરી તેનો રિપોર્ટ આપો. ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં આવા બિલ્ડીંગોના સંદર્ભમાં સર્વે કર્યો હતો અને યાદી પણ તૈયાર કરાઈ હતી. જે સરકારને સોંપી પણ દેવાઈ છે.

સરકારી સંપત્તિનો સદ્ઉપયોગ થશે !
હવે આગામી સમયમાં જે તે વિભાગના અધિકારીઓ મંત્રીઓ સાથે સંકલન કરીને વણ ઉપયોગી બિલ્ડીંગોનુ શું કરવુ તે નક્કી કરશે. જો કે, જે તે વિભાગના મંત્રી તેમજ અધિકારીઓ પણ આ સંદર્ભમાં મુખ્યમંત્રીનુ માર્ગદર્શન લઈને આગળ વધશે. સચિવાલયમાં ચર્ચા છે કે, મુખ્યમંત્રીએ વણવપરાયેલા બિલ્ડીંગોની યાદી તૈયારી કરાવીને ખરેખર ખુબ જ સારુ કામ કર્યુ છે. જો કે, કેટલીક જમીનો પર અસામાજીક તત્વો અડ્ડા બની ગયો હોવાની પણ ચર્ચા છે. પરંતુ હવે સરકારની અબજો રૂપિયાની આ સંપતિનો સદઉપયોગ થશે તેવી આશા જાગી છે.