આ કેરી ખાધી તો માંદા પડશો! શોખીનો સાવધાન!, વેપારીઓ સામે કાર્યવાહી

Contact News Publisher

ઉનાળાનો શરૂ થતાની સાથે ફળોના રાજા એટલે કે, કેરીનું બજારમાં આગમન થઈ ગયું છે. પરંતુ આ કેરી તમને અને તમારા પરિવારને બીમાર પણ પાડી શકે છે અને આવી જ બીમાર પાડતી કેરીના જથ્થાને સુરતમાં ઝડપવામાં આવ્યો અને નાશ કરાયો છે.

કેરીના શોખીનો સાવધાન!
આ કેરી તમને બીમાર પાડી શકે છે, આવું અમે નથી કહી રહ્યા પરંતુ સુરતમાં ઝડપાયેલો કેરીનો જથ્થો કહે છે. હાલ ઉનાળાને લઈ કેરીની સીઝન શરું થતા સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે. ત્યારે શનિવારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન કેમિકલ અને કાર્બાઈડના ઉપયોગથી પકવવામાં આવેલ કેરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એટલું નહીં કેટલાક બોક્સમાંથી કાર્બાઈડની પડીકીઓ પણ મળી આવી હતી. જેથી ખરાબ ફળોનો નાશ કરાયો હતો. સાથે જ વેપારીઓનો નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.

કાર્બાઇડ યુક્ત કેરી વેચાય છે બજારમાં
અહીં એ જાણવું પણ ખુબ જરૂરી બની જાય છે કે, કાર્બાઈડથી પકવેલા ફળો ખાવાથી શું નુકસાની થાય છે. તો આપને જણાવી દઈએ કે, કાર્બાઇડ યુકત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે. કાર્બાઇડથી ચામડી અને આંખમાં બળતરા થઇ શકે છે. તેમજ કાર્બાઇડ ફેફસામાં જવાથી સતત ખાંસી આવે છે. આંતરડાંની દીવાલોને નુકસાન થવાની શક્યતા છે. કાર્બાઇડ પેટમાં જાય તો ઉલટીની સાથે પેટમાં બળતરા થાય છે. કાર્બાઇડની સીધી અસર કિડની અને લીવર પર પડે છે.

આમ કાર્બાઈડ અને કેમિકલની મદદથી પકવવામાં આવેલી કેરી બીમાર પાડી શકે છે. હાલ તો સુરતમાં આરોગ્ય વિભાગે વેપારીઓને દંડ ફટકારી પાઠ ભણાવ્યો છે. પરંતુ અન્ય વેપારીઓ આવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી. તેવામાં લોકોએ જ જાગૃત થવું પડશે.