35 મુમુક્ષુ, 5,29,87,003 રૂપિયાની ઉછામણી, 68 લાખનું વર્ષીદાન, 10 બાળકો સહિત 35 લોકોએ લીધી દીક્ષા

Contact News Publisher

અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ 35 જૈન દીક્ષાનો મહોત્સવ યોજાયો. જે મહોત્સવ દીક્ષાના મહાનાયક પૂજ્ય આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં દીક્ષાની મંગળ વિધિનો 21 એપ્રિલે પ્રારંભ કરવામાં આવ્યો. ત્યારે ૩૦,૦૦૦ની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો.

15 આચાર્ય ભગવંતો તેમજ આશરે 400 જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો ની છત્રછાયામાં 35 મુમુક્ષુઓ સાધુજીવનના પ્રતિક સમાન ઓઘો અર્પણ કરવાની વિધિ શરૂ કરી હતી. 25 મિનિટમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના હસ્તે 35 મુમુક્ષુને ઓઘો અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં 15 ભાઈઓ હતા અને 20 બહેનો હતાં. દીક્ષાર્થીઓના હાથમાં ઓધો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન કર્યા હતા અને ત્રણ પ્રદક્ષિણા દઈને મન મૂકીને આનંદ વ્યક્ત કર્યો હતો.

સંસારી વાઘાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા
ઓઘો અર્પણ થયા પછી મુમુક્ષુઓ તેમના જીવનનું અંતિમ સ્નાન કરવા અને સાધુ-સાધ્વીજી વેશ અંગિકાર કરવા ગયા હતા. જે બાદ તેઓએ સંસારી વાઘાં ઊતારીને સાધુજીવનનાં શુભ્ર-શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા. તે પછી શુભ મૂહુર્તે લોચની વિધિ કરવામાં આવી હતી. અને 35 મુમુક્ષુઓનાં સંસારી નામો રદ્દ કરીને સાધુજીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં. જેમાં ભાવેશ ભંડારી જેઓ બિઝનેસમેન હતા તેનો પત્ની સાથે દીક્ષા લીધી. તેજ રીતે અન્ય લોકોએ પણ દીક્ષા લીધી.

35 દીક્ષાના મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે થયો હતો
અમદાવાદમાં 35 દીક્ષાના મહોત્સવનો પ્રારંભ 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે શરૂ થયો હતો. રવિવાર 21 એપ્રિલના મુમુક્ષુઓની વર્ષીદાન ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. વર્ષીદાન યાત્રા બાદ મુમુક્ષુઓને સાધુજીવન માટે ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરાવવા માટેની કરોડો રૂપિયાની ઉછામણી બોલાવવામાં આવી હતી. જ્યાં 5 કરોડ ઉપરની ઉછમણી કરવામાં આવી હતી.