‘રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે, હવે આ પ્રકરણ પુરું થાય છે’ – વજુભાઇ વાળાની ક્ષત્રિય આંદોલન મુદ્દે પ્રતિક્રિયા

Contact News Publisher

રાજ્યમાં બે દિવસ બાદ આગામી 7મી મેએ એક જ તબક્કામાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં અત્યારે ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થઇ રહ્યાં છે, કેમ કે રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન પુરજોશમાં ચાલી રહ્યું છે અને ઠેર ઠેર ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવવા માટે શપથ લેવડાવાઇ રહ્યાં છે, ત્યારે હવે ભાજપના ક્ષત્રિય નેતા વજુભાઇ વાળાએ મોટું સ્ટેટમેન્ટ સામે આવ્યુ છે.

રાજ્યમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન પર હવે વજુભાઇ વાળા સામે આવ્યા છે. લાંબા ગાળા બાદ ભાજપના ક્ષત્રિય નેતા અને સીનિયર પાર્ટી નેતા વજુભાઇ વાળાએ મોટી પ્રતિક્રિયા આપી છે. આ પહેલા એક શ્રદ્ધાંજલિ સભા દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય બહેનો માટે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેને લઇને રાજ્યમા છેલ્લા બે મહિનાથી ક્ષત્રિયો ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ વજુભાઇ વાળાએ ક્ષત્રિય સમાજના આંદોલનને લઇને જણાવ્યું છે કે, રૂપાલાએ માફી માગી લીધી છે, હવે આ પ્રકરણ પૂર્ણ થાય છે. દરેક સમાજમાં થોડી ઘણી નારાજગી રહેતી હોય છે. તેમને વધુમાં જણાવ્યુ કે, ક્ષત્રિય સમાજ ભાજપની સાથે હતો અને છે. જે પણ નારાજગી હશે ધીમે ધીમે દુર કરાશે. ગ્રામ્ય વિસ્તારમાં નારાજગીનો દોર પૂર્ણ થતો જાય છે.