વાયુસેનાના કાફલા પર PAFFના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

Contact News Publisher

જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. PAFFએ ગયા વર્ષે પણ આવો જ હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે, આતંકવાદીઓ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં ત્રણ અઠવાડિયામાં મતદાન થવાનું છે. રવિવાર (5 મે) સવારથી જ પુંછના જંગલોમાં આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ ચેકપોઇન્ટ ગોઠવી છે અને વિસ્તારમાં ચેકિંગ ચાલુ છે. ભારતીય સેનાના વધારાના દળો શનિવારે મોડી રાત્રે પૂંચમાં જરા વાલી ગલી (JWG) પહોંચ્યા જે સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

સારવાર દરમિયાન જવાન શહીદ

હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કહ્યું કે, કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં એરમેનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો. આ દરમિયાન પાંચ જવાનોને ગોળી વાગી હતી જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક એરમેન શહીદ થયા છે. પુંછમાં આ આતંકવાદી હુમલા બાદ PAFF ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ આતંકી સંગઠન વિશે.