બળદીયા કચ્છમાં પ્રાગટય શતામૃત મહોત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહ્યા , અબજીબાપાનાં સેવા કાર્યોને કર્યા યાદ

Contact News Publisher

સંતશ્રી અબજીબાપાએ અનેકવિધ લોકસેવાના કાર્યો કર્યા છે, ભગવાન સ્વામિનારાણના પ્રેરક સિંધ્ધાતો જીવનમાં ઉતારીને સાંપ્રત સમયના પડકારોને ઝીલી લઇએ :મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી.

કચ્છના બળદિયા ગામના છતેડીમાં અનાદિ મહામુકતરાજ સંતશ્રી અબજીબાપા પ્રાગટય શતામૃત મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું પ્રેરક ઉદબોધન

ભુજ, મંગળવારઃ

    આજે કચ્છ જિલ્લાના બળદિયા ગામેશ્રી અબજીબાપાની છતેડી અને હનુમાનજી મંદિરના ઉપક્રમે અનાદિ મહામુકતરાજ સંતશ્રી અબજીબાપા પ્રાગટય શતામૃત મહોત્સવમાં મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ભગવાનશ્રી સ્વામિનારાયણના સિધ્ધાંતો, વિચારો આજના સમયને અનુરૂપ છે. તેમાંથી પ્રેરણા લઇને સાપ્રંત સમયના પડકારોને ઝીલી લઇએ.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘મહા’ વાવાઝોડાના સંદર્ભે સંભવિત કુદરતી આપત્તિને ગંભીરતાથી લઇને રાજય સરકારે તમામ તૈયારીઓ કરી છે, ૩૦ જેટલી એનડીઆરએફની ટીમો અને ૧૫ એસડીઆરએફ ની ટીમો તૈનાત રાખીને જુદા-જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવેલ છે. જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. મેડીકલની ટીમો, દવાઓ અને મેડીકલ સ્ટાફ સાથે તૈયાર રાખવામાં આવેલ છે. પીજીવીસીએલ સહિતની ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.

આપત્તિ આશીર્વાદમાં કેમ પલટાવવામાં આવે અને માનવતાના પુરૂષાર્થની પરાકાષ્ટા સર્જીને ઓછામાં ઓછું નુકશાન થાય અને એકપણ મૃત્યુ ન થાય તે માટે સરકાર કટિબધ્ધ છે. લોકોને સલામત સ્થળે લઇ જવા ગોઠવણી કરાયેલ છે. વાવાઝોડું થોડું કમજોર થયેલ છે. રાહતની કામગીરીની વ્યવસ્થા સાથે તંત્ર આગળ વધી રહેલ છે. તાજેતરના વરસાદ માવઠાંમાં જે ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું હશે તેમને કેન્દ્ર સરકારના નોમ્સ મુજબ સહાય કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અમારી સરકાર ચાર પાયાની બાબતો પર ચાલે છે. વિકાસના એજન્ડાને લઇને બધા સમુદાયને સાથે લઇને ગુજરાતની ભાવિ પેઢીની ભવિષ્યને ઉજજવળ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ.

તેમણે જણાવ્યું કે, રાજય સરકાર ઘણી બાબતોને ઓનલાઇન કરીને પારદર્શકતા લાવવા માંગે છે. રેવન્યૂ રેકર્ડમાં ક્રાંતિકારી ફેરફાર લાવી રહયા છીએ અને આ રીતે દરેક વિભાગમાં આપણે જઈ રહયા છીએ.

રાજય સરકારનો નિર્ધાર છે કે, આપણું ગુજરાત પાણીદાર અને વોટર સરપ્લસ સ્ટેટ બને અને દુષ્કાળએ ભૂતકાળ બને એ દિશામાં રાજય સરકાર કામ કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, માંડવીમાં ખારા પાણીને મીઠું પાણી બનાવવા ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે. કચ્છની નર્મદાની મેઇન કેનાલનું કામ ઝડપથી પૂર્ણ કરીને છેવાડાના ગામોને પાણી પહોંચે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં ઘાસ મહત્તમ ઉગાડવા અને બહારથી લાવવુ ન પડે તે દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, રાજય સરકારે કચ્છ જિલ્લામાં ગત અછતના વર્ષમાં ઢોરવાડાઓ ખોલીને એકપણ પશુને મૃત્યુ થવા દીધું ન હતું અને રૂ.૬૦૦ કરોડ જેવા ખર્ચ કરીને પશુધનને બચાવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણએ કચ્છ પ્રદેશમાં વિચરણ કરેલ છે અને તેમના પુનિત પગલાંથી ધરતી ધન્યતા અનુભવે છે. સંતશ્રી અબજી બાપાએ લોકોની ખુબ સેવા કરેલ છે. તેમના અનેકવિધ કાર્યો લોકો માટે પ્રેરણાદાયી બનેલ અને જીવનને સાર્થક કરેલ છે.

રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી કચ્છના વિકાસની હંમેશા ચિંતા કરીને વિકાસના વિવિધ પ્રકલ્પો હાથ ધરી રહયા છે.

આ પ્રસંગે સંસ્થા દ્વારા મુખ્યમંત્રીશ્રીને કન્યા કેળવણીનિધિનો રૂ.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. શ્રી મથુરભાઇ સવાણીએ પર્યાવરણની સુરક્ષા અને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી વિગતો આપી હતી.

પ્રારંભમાં સંસ્થાના મંત્રીશ્રી છગનભાઇ પટેલે સૌનું સ્વાગત કરીને સંસ્થાની વિવિધ વિકાસકીય પ્રવૃતિનો ખ્યાલ આપ્યો હતો તેમજ તેમણે કચ્છના પાણી પ્રશ્ન અંગે ધ્યાન દોર્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્યો સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા, ડો.નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશુભાઇ પટેલ,

શ્રી મથુરદાસભાઇ સવાણી અગ્રણીઓ, શ્રી દિલીપભાઇ ત્રિવેદી, શ્રી રામજીભાઇ પટેલ, શ્રી રાકેશભાઇ પટેલ, શ્રી રવજીભાઇ, શ્રી દસુભાઇ, પ્રકાશદાસજી સ્વામી અને અન્ય સંતો અને મોટી સંખ્યામાં હરિભકતો ભાઇ-બહેનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખશ્રી ગોવિંદભાઇએ આભારદર્શન કર્યુ હતું.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્વામિનારાયણ ‘‘વાણી’’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના બળદિયા ખાતે ભગવાન સ્વામિનારાયણે કાળી તલાવડીને કાંઠે દેવબાને દર્શન આપ્યા હતા અને પ્રસન્ન થઇને વરદાન માગવા કહયું હતું. દેવબાએ પુત્ર આપવા જણાવ્યું ત્યારે શ્રીજી મહારાજે કહયું કે, અમ જેવાતો અમે એકજ છીએ, પણ અમારા અનાદિમુકત અમારા તુલ્ય જ કહેવાય તે તમારે ત્યાં અમારા સંકલ્પથી પ્રગટ થશે અને અસંખ્ય જીવોનો ઉધ્ધાર કરશે. તેના ફળ સ્વરૂપે અબજીબાપાશ્રીનું તા.૨૦/૧૧/૨૦૧૯ના રોજ ૧૭૫ વર્ષ થયેલ છે અને તા.૮/૧૧/૨૦૧૯ના રોજ ૧૭૫ વર્ષ પૂર્ણ થાય છે.

તેમજ સુભગ સમન્વય એવો છે કે શ્રીજી મહારાજે પોતાના સ્વમુખે અધ્યાત્મવાણીનું વચનામૃતમ કરાવ્યું તેને ૨૦૦ વર્ષ પૂર્ણ થઇ રહયા છે. આ ઉપરાંત શ્રી અબજીબાપા એજયુકેશન એન્ડ ચેરિટેબલ સેન્ટરને ૨૫ વર્ષ પુરા થઇ રહયા હોઇને આ ત્રિવેણી સંગમ દ્વારા કાર્યક્રમ ગત તા.૩ નવેમ્બરથી તા.૯ નવેમ્બર સુધી સાત દિવસીય યોજાઇ રહયો છે.

    આ પ્રસંગે વચનામૃત મહાગ્રંથની પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી પૂ.વિશ્વપ્રકાશદાસજી સ્વામિ વ્યાસસને બિરાજી કથામૃતનું રસપાન કરાવી રહયા છે.

-Maa Ashapura News

YouTube : maa news live

Playstore : maa news live

Whatsapp : 94287 48643

97252 06127

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *