અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રજાકીય કામો સુચવવામાં ભાજપના ધારાસભ્યોને પણ પાછળ છોડયા!

Contact News Publisher

ગુજરાત વિધાનસભામાં પહેલા નંબરનું સ્થાન ધરાવવા છતા વિકાસની દ્રષ્ટિએ અત્યંત પછાત એવા અબડાસા વિધાનસભા ક્ષેત્રના વર્તમાન કોંગ્રેસી ધારાસભ્યએ તેમના વિસ્તાર માટેના લોકઉપયોગી કામો સુચવવામાં અને મંજુર કરાવવામાં સમગ્ર કચ્છમાં પ્રથમ નંબરનું સ્થાન મેળવી ભાજપના ધારાસભ્યોને પણ પાછળ છોડી દીધા છે.

ધારાસભ્યને મળતી ગ્રાન્ટ ઉપરાંત કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપના સાંસદની ગ્રાન્ટમાંથી પણ કામો મંજુર કરાવી અનન્ય પ્રજાસેવક તરીકેની છાપ ઉભી કરી છે. દર વર્ષના પ્રારંભે આયોજન વિભાગ મારફતે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે. આ વર્ષે ૪૦ કરોડ રૂપીયાના કામો આયોજન વિભાગ હસ્તક થવાના છે. જેમાંથી ૯૯ ટકા કામોને મંજુરી આપી દેવામાં આવી છે. પરંતુ ધારાસભ્યો માટે અલગથી ૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને દરેક ધારાસભ્યને દર વર્ષે દોઢ કરોડ રૂપીયાની ગ્રાન્ટ પોતાના વિસ્તારના વિકાસ માટે આપવામાં આવે છે. આ કામગીરીમાં પણ કચ્છના ભાજપ ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્યની પાછળ રહી ગયા છે. પરંતુ સાંસદ વિકાસની ગ્રાન્ટ વાપરવામાં આગળ રહયા છે. ધારાસભ્યોને એક વર્ષ દરમિયાન દોઢ કરોડ રૂપયાના કામો પણ સુચવવામાં પણ કંજુસી કરી રહયા છે. જેના કારણે ગ્રાન્ટ હોવા છતા લોકોના ઉપયોગી કામો થઇ શકતા નથી. આ વર્ષે ૪૦ કરોડનાં ખર્ચે અંદાજીત ર૦૭૦ જેટલા વિવિધ કામો આયોજનની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. જેમાં પેવર બ્લોક, સીસી રોડ, પાણીની લાઇનો, ઘન કચરાના નિકાલની વ્યવસ્થા માટે ટ્રેકટર, ટ્રોલી, એમ્બ્યુલન્સની ખરીદી સહીતના કામો થતા હોય છે. જયારે ધારાસભ્યો પણ આ કામો સુચવી શકે છે. પરંતુ તેમની નિષ્ક્રિયતાના કારણે લોકોના જરૂરી કામોનો લાભ નથી મળી રહયો.

આ આંકડાકીય વિગતો આયોજન અધિકારીથી મેળવવામાં આવી છે. આ લીસ્ટમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મોખરે છે. ધારાસભ્યોની મળતી ૧.પ૦ કરોડની ગ્રાન્ટ સામે તેમણે ૧.પ૩ કરોડના કામો સુચવ્યા છે. જયારે રાજયમંત્રી વાસણભાઇ આહીરે ૬પ લાખ, વિરેન્દ્રસિંહ જાડેજાએ ૪૦ લાખ, સંતોકબેન આરેઠીયાએ ૯૦ લાખના કામોની યાદી આયોજન કચેરી ખાતે મોકલી આપી છે. જયારે ભુજના ધારાસભ્યના ગત વર્ષના કામોની હજુ ટીએસ ન મળી હોવાથી આ વર્ષના કામો હજુ બાકી નગરપાલીકા વિસ્તારમાં ધારાસભ્ય ૧૦ ટકા લોકફાળો આપી શકે છે. તે માટે નગરપાલીકાએ ગા઼ધીનગર કક્ષાએથી અન્ય ગ્રાન્ટ માટની મંજુરી લેવી પડે છે. તે હજુ મળી નથી તો ગાંધીધામના ધારાસભ્યને ગાંધીધામમાં વિકાસની જરૂરિયાત દેખાતી ન હોવાના કારણે તેમણે દોઢ કરોડની ગ્રાન્ટમાંથી હજુ સુધી એક પણ કામની યાદી મોકલાવી જ ન હોવાનું આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News