દીનદયાળ પોર્ટના ખખડધજ માર્ગોની મરમત માટે ચેમ્બરે કર્યો અનુરોધ

Contact News Publisher

દીનદયાળ પોર્ટના બિસમાર રસ્તાઓ સુધારવા અને અન્ય સુવિધાઓ સુધારવા અંગે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડીપીટીના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ચેરમેન એસ.કે. મેહતાને પાઠવેલા પત્રમાં ચેમ્બર પ્રમુખ અનિલ જૈને ભારતના મહાબંદરોમાં થતી આયાત- નિકાસમાં હાલ સ્પર્ધાત્મક વિશ્વમાં પણ મોખરાનું સ્થાન ફરી પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

પોર્ટના બિસમાર રસ્તાઓ, અને રાત્રિપ્રકાશની અપૂરતી સુવિધાઓ અંગે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ગાંધીધામથી પોર્ટના નોર્થ ગેટ સુધીના મુખ્ય માર્ગ ઉપર ઠેર ઠેર ગાબડાં પડી ગયેલાં છે. ઝીરો પોઈન્ટ ઉપર પાણીની મુખ્ય લાઈન તૂટી ગયેલી છે અને વેસ્ટ ગેટ સુધીના રસ્તાઓ પણ બિસમાર હાલતમાં છે. તાજેતરમાં કંડલા મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી. જાડેજાએ પણ પોર્ટ પ્રશાસનને આ બાબતનો પત્ર લખ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ સલામતની દૃષ્ટિએ પણ સંવેદનશીલ ગણાય છે. જેથી નકટીથી ઝીરો પોઈન્ટ સુધીનો વિસ્તાર તથા પોર્ટની અંદર અને બહારના વિસ્તારોમાં મોટા પાયે રાત્રિપ્રકાશ માટે ફ્લડ લાઈટ અને નાઈટ વિઝન કેમેરા લગાડવા જરૂરી છે. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે નકટી પુલથી બંદર સુધીના માર્ગના ડિવાઈડર ઉપર બિનજરૂરી કટ બંધ કરવા અને એલ.પી.જી. ત્રણ રસ્તા જંકશન ઉપર લાઈન કેમેરાની સુવિધા બેસાડવા અંગે ભારપૂર્વકની રજૂઆત પત્રમાં કરાઈ છે. કંડલા પોર્ટ વૈશ્વિક પ્રતિષ્ઠા મેળવી રહ્યું છે અને દેશના પોર્ટ વપરાશકર્તાઓ પોર્ટ પાસે આ પ્રકારની મૂળભૂત માળખાંકીય સુવિધાઓની અપેક્ષા રાખે તે સહજ છે. આ તમામ સુવિધાઓ ત્વરિત ઊભી કરાય તેવી ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *