ભુજમાં ઉમટતું માનવ મહેરામણ : ત્રીજી લહેરને અપાતું સીધું આમંત્રણ

Contact News Publisher

કોરોનાની બીજી લહેરમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ પણ વર્તમાન સમયમાં લોકોની ભીડ જોતા લાગે છે કે લોકોએ આમાંથી કોઈ બોધપાઠ લીધો નથી. રાજય સરકારે આપેલી છુટછાટોનો દુરુપયોગ કરાતો હોય તેમ કોવીડના એક પણ નિયમોની અમલવારી કરાતી નથી.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ભુજમાં અવાર નવાર થતી ભીડ આવનારા દિવસોમાં જોખમ સર્જે તેમ છે. સવારથી રાત સુધી જે ભીડ ભાડના દ્રશ્યો જોવા મળે છે તે આવનારા દિવસોને રડાવે છે. કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. એક અંદાજ મુજબ કચ્છમાં ૯ હજાર જેટલા લોકોના કોરોનાથી મોત થયાનું બિન સતાવાર ચર્ચાય છે. આરોગ્ય વિભાગના ચોપડે મરણાંક છુપાવાયો હતો. આ વચ્ચે કેટલાક દિવસોથી કોરોનાના એક પણ કેસ નોંધાતા ન હોવાથી જાણે કોરોનાએ વિદાય લીધી હોય તેવી રીતે લોકોએ માહોલ ઉભો કર્યો છે. રવિવારે રેસ્ટોરેન્ટમાં જમવા માટે થતી ભીડ, બાગ બગીચાઓમાં લોકોની ભીડ, વોક વે તેમજ હમીરસર તળાવ પાસે ઉપરાંત મંદિરો પાસે લોકોની ભીડના દ્રશ્યો આવનારા દિવસોમાં જોખમ સર્જે તેવા છે.

જયારથી રાજય સરકાર દ્વારા છુટછાટો આપવામાં આવી છે તે સમયથી લોકો તેમાંથી બોધપાઠ લેવાને બદલે આ છુટછાટોનો દુરુપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસોમાં ભુજ શહેરના દ્રશ્યો જોતા હવે જિલ્લાના વહીવટી તંત્રે અને પોલીસ તંત્રએ વધારે કડક બનવાની જરૂર છે. અન્યથા આગામી દિવસોમાં વધુ એક વખત આંશિક લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન સમયમાં કોરોનાના ભલે એક પણ કેસ ન નોંધાતા હોય પરંતુ જે રીતે ગત રવિવારે સવારથી સાંજ સુધી જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા કોરોનાના કેસો ફરી પાછા નોંધાય તો નવાઈ પામવા જેવુ નહિં રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *