કચ્છ જિલ્લામાં સરકારી પરમીટ થકી દારૂ મેળવનારા લોકોની સંખ્યામાં 10 ટકાનો વધારો

Contact News Publisher

કચ્છમાં દારૂ મેળવવાની કાનૂની પરમીટમાં ચાલુ વર્ષે 10 ટકાનો વધારો નોંધાયો છે. સરકાર માન્ય દારૂની પરમીટ શોપમાંથી દારૂ લેનારની સંખ્યામાં દર વર્ષે સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં કાયદાકીય રીતે પ્રોહિબિશન એક્ટ લાગુ છે જે મુજબ કોઈ પણ વ્યક્તિ દારૂના વેચાણ અથવા સેવન કરતા પકડાય તો તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુજરાત સિવાય બિહાર, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ દારૂબંધીનો કાયદો અમલમાં છે.

બિહારમાં સંપૂર્ણ રીતે દારૂબંધી જોવા મળે છે જ્યારે કે ગુજરાતમાં આ કાનૂનમાં થોડી છૂટછાટ જોવા મળે છે. અન્ય રાજ્ય અથવા દેશથી આવતા લોકો સરકાર માન્ય પરમીટ શોપમાથી દારૂ ખરીદી શકે છે જ્યારે કે સંરક્ષણ દળોમાં જોડાયેલા લોકો માટે પણ ખાસ ડિફેન્સ પરપસના માર્કા સાથેનો દારૂ આપવામાં આવે છે. તે ઉપરાંત ગુજરાતના લોકો પણ એક વય મર્યાદા બાદ તબીબી કારણોસર દારૂનું સેવન કરવાની કાયદેસર લીકર પરમીટ મેળવી શકે છે.

કચ્છ જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દારૂની પરમીટમાં 10.14 ટકા વધારો નોંધાયો છે. નશાબંધી અને આબકારી અધીક્ષકની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લામાં ગત વર્ષે 2021માં 31 માર્ચ પ્રમાણે 897 પરમીટ અપાયેલી હતી જે એપ્રિલ મહિનાથી નવું ખાતાકીય વર્ષ શરૂ થયા બાદ વધીને હાલ 988 પરમીટ અપાયેલી છે.

પરમીટ ધારકો સરકાર માન્ય પરમીટ શોપમાંથી પરમીટ મુજબ યુનિટમાં દારૂ ખરીદી શકે છે. એક યુનિટમાં એક બોટલ દારૂ અથવા 12 બિયરના ટીન ખરીદી શકાય છે. 40 થી 50 વય જૂથના લોકોને બે યુનિટ, 50 થી 60ને ત્રણ યુનિટ, 60 થી 65ને ચાર ત્યારે જ 65 વર્ષથી ઉપરના પરમીટ ધારકોને અઠવાડિયે પાંચ યુનિટ ખરીદવાની પરમીટ આપવામાં આવે છે.

ગુજરાત સાથે કચ્છમાં પણ છેલ્લા અનેક વર્ષોથી દારૂની પરમીટ મેળવવાનું ચલણ વધ્યું છે. જિલ્લામાં હાલ સાત પરમીટ શોપ કાર્યરત છે અને બહારગામના લોકો ઉપરાંત 988 સ્થાનિક લોકો આ પરમીટ શોપનું લાભ લઈ રહ્યા છે. અગાઉ અનેક વખત જિલ્લાની પરમીટ શોપ દ્વારા પરમીટના દારૂનું બારોબાર વેંચાણ થતાં હોવાની ફરિયાદો થઈ છે. થોડા સમય પહેલા જ ભુજની એક પ્રખ્યાત થ્રી સ્ટાર હોટલ આ કૌભાંડમાં ઝડપાતા તેમની પરમીટ શોપ પર તાડા મરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *