કલેક્ટર મેડમ , આપ મેક અપ કેમ કરતા નથી …?

Contact News Publisher

કલેક્ટર મેડમ મેક અપ કેમ કરતા નથી …?
મલાપુરમ જિલ્લાના કલેક્ટર શ્રીમતી રાની સોયામોઇનો વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ
(લેખ છેક સુધી વાંચજો -હૃદય દ્રવી ઉઠશે)
……………………………………..
તેઓ કાંડે માત્ર ઘડિયાળ પહેરે છે, બીજું કોઈ ઘરેણું તેઓ પહેરતા નથી. તેઓએ જે કહ્યું તેથી વિદ્યાર્થીઓને અચરજ થઈ – તેઓ ચહેરા ઉપર પાવડર પણ લગાવતા નથી

વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર કલેકટરના જ શબ્દોમાં:

પ્ર: આપનું નામ?

“મારુ નામ રાની. સોયામોઇ મારા કુટુંબનું નામ છે. મારુ મૂળ વતન ઝારખંડ છે. ”

પ્ર: મેડમ, કેમ તમે ચહેરા ઉપર નથી પાવડર લગાવતા કે કોઈ મેકઅપ નથી કરતા ?

કલેક્ટર મેડમનો ચહેરો પીળો પડી જાય છે. તેઓને પરસેવો થાય છે. ચહેરાનું સ્મિત અલોપ થઈ જાય છે. શ્રોતાઓમા સન્નાટો વ્યાપી વળે છે.

તેઓ પાણીની બોટલ ખોલીને પાણી પીવે છે. પ્રશ્ન કરનાર બાળકને એની જગ્યાએ બેસવા ઈશારો કરે છે. અને ધીમેથી વાતની શરૂઆત કરે છે.

” બાળકે ગૂંચવી નાખતો પ્રશ્નાર્થ કર્યો છે. એક શબ્દમાં ઉત્તર શક્ય નથી, ઉત્તર રૂપે મારે મારી ખૂબ જ અંગત વાત કરવી પડશે. તમે મને દસ મિનિટ આપો તો હું મારી વાત કહું.

તૈયાર…

ઝારખંડ વિસ્તારના આદિવાસી લોકમાં મારો જન્મ થયો હતો”.

કલેક્ટર મેડમ થોડું થોભીને શ્રોતાઓ તરફ જોવા લાગ્યા.

” અબરખની ખાણોથી ભરપૂર એવા કોડેરમા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં, એક ઝૂંપડીમાં મારો જન્મ થયો હતો.

મારા માતા-પિતા ખાણમાં મજૂરી કરતાં. કુટુંબમાં મારાથી બે મોટા ભાઈઓ અને એક નાની બેન હતાં. અમે એક ઝૂંપડીમાં રહેતાં, વરસાદમાં આખી આખી ઝૂંપડીમાં પાણી ફરી વળતું.

મારા માતા પિતાને કોઈ વ્યવસાય તો હતો નહિ આથી તેઓ ખાણમાં મજૂરી કરતાં. આ કાર્ય કઠિન હતું.

હું જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારા માતા પિતા, બે ભાઈઓ વિવિધ બીમારીને લીધે પથારીવશ બન્યાં.

અબરખની રજકણોના લીધે તેઓ ભયંકર બીમારીના ભોગ બન્યા હતા એની પણ કદાચ તેઓને ખબર નહોતી.

હું પાંચ વર્ષની હતી ત્યારે મારો ભાઈ બીમારીમાં મૃત્યુ પામ્યો.”

થોડો નિસાસો નાખીને મેડમ અટક્યા. તેઓની આંખોમાં આંસુ હતા. પછી આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

“મોટા ભાગના દિવસોમાં પાણી અને એકાદ રોટલાથી અમારે ચલાવી લેવું પડતું. ભૂખમરો અને ગંભીર બીમારીના લીધે મેં બન્ને ભાઈઓ ગુમાવ્યા. મારા ગામમાંથી કોઈ શાળા અને દવાખાનામાં ગયું ન હતું. તમે દવાખાનું, શાળા અને ટોયલેટ વગરના ગામની કલ્પના કરી શકો ખરા? અરે, વીજળી પણ નોહતી.

એક દિવસે હું ખૂબ જ ભૂખી હતી. એક હાડપિંજર એવી મને ઘસડીને તેઓ એક મોટી ખાણમાં લઈ ગયા. આ ખાણ લોખંડના વડીયાવાળા પતરાથી ઢાંકેલી હતી.

આ ખાણ સમય જતાં અબરખની ખાણ તરીકે કુખ્યાત બની હતી.

આ ખૂબ પ્રાચીન ખાણ હતી અને પાતાળ સુધી ખોદવામાં આવી રહી હતી. મારુ કામ ખાણની અંદર વળી વળીને ગુફામાંથી છેક તળિયે જઈને અબરખના પથ્થર ભેગા કરવાનું હતું. આ રીતે જવું માત્ર દસ વર્ષથી નાના બાળકો માટે જ શક્ય હતું.

જીવનમાં મને પહેલી વખતે પેટ ભરીને રોટલા ખાવા મળ્યા, પણ મને સખત ઊલટીઓ પણ થઈ.

હું જ્યારે પહેલા ધોરણના દાખલ થઈ ત્યારે હું અંધારી ઓરડીમાં અબરખની છીંકો ખાતી થઈ ગઈ હતી. એ ઝેરી રજકણો વચ્ચે તો આખો સમય અંધારામાં અમારે રહેવું પડતું.

ખાણ ભૂસ્ખલનમાં બાળકો – અભાગી બાળકો મૃત્યુ પામતા એ અમારે માટે સર્વસામાન્ય ઘટના હતી. અને બીમારીમાં મૃત્યુ પામતાં બાળકોથી અમે ટેવાઈ ગયા હતા.

જો તમે આઠ કલાક કામ કરો તો એકાદ રોટલો તમને ખાવાનો મળે. ભૂખ અને ભૂખમરાને કારણે હું સાવ સુકલકડી હતી, શરીરમાં પૂરતું પાણી પણ નહતું.

એક વર્ષ પછી મારી નાની બહેન પણ ખાણમાં કામે લાગી ગઈ. જ્યારે હું સાજી થઈ પછી મારી બહેન અને માં બાપ સાથે કામે લાગી ગઈ. હવે અમારે ભૂખમરાથી મરવું તો નહીં પડે!

પરંતુ વિધિના (ધનવાનો) ખેલ કોણ જાણી શક્યું છે? સખત તાવને કારણે હું કામે જઈ રહી ન હતી. એ જ દિવસે ખાણ નીચેથી તૂટી પડી અને હજારો લોકો એની નીચે દટાઈ ગયા. એમાં મારા માબાપ અને નાની બહેન પણ હતા”.

કલેકટર મેડમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. એમને સાંભળતો શ્રોતાગણનો પણ જાણે કે શ્વાસ થંભી ગયો હતો. કેટલાકની આંખોમાં આંસુ હતા.

“એ સમયે હું માંડ છ વર્ષની હતી એ કેમ ભૂલી શકું?

કાળક્રમે હું સરકારી શાળામાં પહોંચી ગઈ. ત્યાં મેં અભ્યાસ કર્યો. મારા ગામમાંથી કક્કો બારખડી શીખનાર હું પ્રથમ હતી. અને આજે કલેકટર ના રૂપમાં તમારી સમક્ષ હું ઉભી છું.

તમને નવાઈ લાગશે કે હું મેકઅપ કરતી નથી તેને મારી આ અંગત વાત સાથે શુ સંબંધ હોઈ શકે?”

કલેકટરે લોકો તરફ દ્રષ્ટિ ફેરવતાં આ રહસ્યને ખોલતાં આગળ ધપાવ્યું.

“એ દિવસોમાં વાંકા વળીને ખાણની અંધારી ગુફામાં જઈને હું જે અબરખના પથ્થર ભેગા કરતી તેનો ઉપયોગ મેકઅપમાં વપરાતી વસ્તુઓ બનાવવામાં થતો.

મેકઅપ માટે અબરખ એ પ્રથમ કક્ષાની ધાતુ ગણાતી.

કોસ્મેટિક કમ્પનીઓ દ્વારા ઉત્પાદિત મેકઅપ માટેની વસ્તુઓ માટે અબરખનો ઉપયોગ થાય છે. અબરખ તમારી ત્વચાને તેજસ્વી અને ચળકતી બનાવે છે. પણ એની કિંમતમાં લગભગ 20000 બાળકોનું જીવન જોખમમાં મુકવામાં આવે છે. (20000 નાના બાળકો હાલમાં ખાણોમાં કામ કરે છે)

તમારા ચહેરાને ગુલાબી બનાવવામાં કેટલાયે બાળકોના સ્વપ્નો નંદવાય છે, કેટલાક ગંભીર બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામે છે, તેઓના હાડ માંસ એ ખાણોની શિલાઓ સાથે ભટકાય છે.

આપણી સુંદરતા વધારવા અને નિખારવા, લાખો ડોલર અને કરોડો રૂપિયાની અબરખ ધાતુને ભેગી કરવાનું કામ બાળકોના કુમળા હાથ કરે છે.

હવે તમે મને કહો:

હું મારા ચહેરા ઉપર મેકઅપ કેવી રીતે કરું? ભૂખમરાથી મરી ગયેલાની યાદમાં હું ઠાંસી ઠાંસીને કેવી રીતે ખાઈ શકું? હંમેશા ફાટલી તૂટલી સાડી પહેરતી મારી માતાની યાદમાં હું કિંમતી મખમલી સિલ્કની સાડી પહેરી શકું ખરી? ”

ખંડમાં બેઠેલ આખો શ્રોતાગણ ચૂપ હતો. જેવા કલેકટર મેડમ મુખ ઉપર સ્મિત સાથે, માથું ટટ્ટાર રાખીને બહાર જવા લાગ્યા કે બધા પોતાની જગ્યાએ ઉભા થઇ ગયા. આંખોમાંથી નીતરતા ગરમ આંસુઓથી તેઓના ચહેરા પરના ઓગળતા મેકઅપમાં તેઓના ચહેરાઓ પણ જાણે કે ભીંજાઈ રહ્યા હતા.
………………………………………
જ્યારે તેઓ (મેકઅપના લપેડા કરીને ફરતી), લિપસ્ટિક, પાવડર, ક્રીમ લગાવેલ ચહેરાઓ જોઈને મોં મચકોડે ત્યારે પ્લીઝ તેઓનો દોષ ના કાઢશો .

( સૌથી ઊંચી ગુણવત્તા વાળી અબરખની ધાતુને ઝારખંડની ખાણોમાંથી કાઢવામાં આવે છે. શાળાએ જવાને બદલે લગભગ 20000 બાળકો આ ખાણોમાં મજૂરી કરે છે. કેટલાક જીવલેણ બીમારીનો ભોગ બને છે તો કેટલાક ખાણો નીચે જ દબાઈ મરે છે.)

મૂળ મલયાલમમાંથી અંગ્રેજી અનુવાદ.

– ગુજરાતીમાં અનિલ સેવરીનનો ભાવાનુવાદ

સૌજન્ય : મહેશભાઈ દોશી – સિનિયર પત્રકાર..

અહેવાલ : માઁ આશાપુરા ન્યુઝ (maa news)

9428748643 / 9725206123

2 thoughts on “કલેક્ટર મેડમ , આપ મેક અપ કેમ કરતા નથી …?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News