*શું લાગે છે ? કોણ આવશે ? આ સવાલ જ ડર બતાવે છે*

Contact News Publisher

*શું લાગે છે ? કોણ આવશે ? આ સવાલ જ ડર બતાવે છે*

એક્ઝિટ પોલ કહે છે ભાજપ ફરી સત્તા ઉપર આવે છે , જે થયું સારું થયું , જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, જે થશે સારું થશે. આ પરમ સત્ય સમાન વાક્ય ભગવાન શ્રી કૃષ્ણનું છે . *ભાજપને સત્તા મળશે તો સાથે સાથે ભાન પણ મળશે , જોવા જઈએ તો સત્તાનાં નશામાં ભાજપ ક્યાંક બેભાન અને બેફામ બનતું હોય એવું ચિત્રણ જોવા મળી રહ્યું હતું.* પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં *ભાજપને ભાન થયું કે પ્રજા સર્વોપરી છે , એ સત્તા ઉપર બેસાડી પણ શકે છે અને ઉતારી પણ શકે છે.*

જોકે એક વાત અકળાવે એવી એ છે કે કેન્દ્રમાં ભાજપ ને આવ્યે માત્ર 3 વર્ષ થયાં છે અને *આટલી જલ્દી લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી દેખાય એ બીજેપી માટે સંશોધનનો વિષય છે, અને નિરીક્ષણ જરૂરી પણ છે જો ફરી સત્તા ઉપર આવવું હોય તો.* ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી સાશન ઉપર રહ્યા બાદ આજે 2017માં  બીજેપી ને ચૂંટણી જીતવા આટલી કસરત અને પસીનો વહાવો પડે એ જ બતાવે છે *ભાજપને ભ્રષ્ટાચાર , અભિમાન અને અતિઆત્મવિશ્વાસ નામનો કોલેસ્ટ્રોલ લાગુ પડી ગયો હશે , અને એટલે જ આ કોલેસ્ટ્રોલને બાળવા આટ આટલી મહેનત કરવી પડી હશે.* કેટલાય મુખ્યમંત્રીઓ અને મોટા ગજાના ભાજપી નેતાઓને ગુજરાતમાં ઉતારવા પડે એ જ બતાવે છે કે ભાજપને ભય છે.

14 મી ડિસેમ્બર બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ વિવિધ ચેનલો અને કંપનીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા જેમાં *બીજેપી સતા ઉપર આવે છે અને 100 થી 135 સુધી બેઠક કબ્જે કરે છે , અને કોંગ્રેસ ને 60 થી 70 સુધીની બેઠક મળે છે.* જોઈએ 18 ના ઈવીએમ માંથી શું નીકળે છે , ઇવીએમ ની વાત આવી તો *હાર્દિકની કોમેન્ટ યાદ આવી , " જાણી જોઈને એક્ઝિટ પોલમાં ભાજપ જીતી રહી છે , જેથી ઇવીએમ ની ગરબડ બાદ કોઈ શંકા ના કરે, આ જૂની ચાલ છે , જો ચૂંટણી સાચી છે તો ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી."* હાર્દિકનાં આ શબ્દોમાં રોષ છે તો ક્યાંક છૂપો ડર પણ દેખાય છે , જે હોય તે બાકી આ ચૂંટણીમાં હાર્દિકની ભૂમિકા દેશ નહીં વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. *22 વર્ષનાં છોકરાએ 22 વર્ષની બીજેપીની સરકારને ધ્રુજાવી નાંખી , આવા શબ્દો જોયા અને વાંચ્યા હશે, પણ એવું નથી , આ તો લોકોનો રોષ છે,* અને જ્યાં લોકોએ વધુ વિશ્વાસ મુક્યો ત્યારે નારાજગી પણ જલ્દી અને વધારે થતી હોય છે , ભાજપને લઈને પણ કંઈક આવુજ થયું છે , *મતદારોએ ખોબેખોબા મત આપ્યા છે ભાજપને ત્યારે હવે જયારે પ્રજાની એરણ ઉપર બીજેપી ખરી નથી ઉતરતી તો હથોડા પડે એ સ્વાભાવિક છે.*

ગુજરાત 2017ની ચૂંટણીમાં પરિણામ જે આવે એ બાકી એક વાત સ્પષ્ટ છે *જો કોંગ્રેસ જીતે છે તો એ કોંગ્રેસની જીત નહીં હોય પરંતુ ભાજપની હાર હશે , અને ભાજપ જીતે છે તો એ ભાજપની જીત નહીં પરંતુ પ્રજા તરફથી મળેલું એક જીવતદાન હશે,* પ્રજા તરફથી મળેલા કૃપા ગુણ હશે . અને જ્યારે આપણે પરીક્ષા હોય કે ચૂંટણી હોય જ્યારે કૃપા આપીને ઉપર ચઢાવવામાં આવ્યા છે એવા રીમાર્ક સાથે માર્કશીટ મળે ત્યારે મુણસાઈ ના કરી ને મતદારોનો આભાર વ્યક્ત કરીને પ્રજાનાં નિષ્ઠાપૂર્વક કાર્યો કરવામાં લાગી જવું જોઈએ , કારણ 5 વર્ષ વીતતા બહુ વાર નથી લાગતી અને હવે *મતદારો પણ જાગૃત થઈ ગયાં છે, દારૂ પીશે, મટન ખાશે, તેલનાં ડબ્બા લેશે , રોકડ પણ ખિસ્સામાં મુકશે પણ જ્યારે મત દેવા જાશે ત્યારે એનો અંતરાત્મા કહેશે એનેજ મત આપશે.* એટલે અંતમાં એક જ વાત " યે જો પબ્લિક હૈ વો સબ જાનતી હૈ , યે જો પબ્લિક હૈ .." .

જતાં જતાં એક નજર પાછળ કરીયે તો *આ ફેરે નેતાઓએ ભગવાન અને દેવી દેવતાઓને પણ ભારે પરેશાન કર્યાં હતાં,* એક પક્ષના નેતાજી આશિર્વાદ લઈને નીકળે ત્યાં પાછળ બીજા પક્ષનાં નેતાજી સાષ્ટાંગ પ્રણામ માટે તૈયાર જોવા મળતાં હતા, હવે ભગવાન પણ કન્ફ્યુઝન માં નક્કી નતા કરી શકતા કે કોને આશીર્વાદ આપું , અંતે ભગવાને પણ બધું ભગવાન ભરોસે છોડ્યું હશે.

આજે 15 ડિસેમ્બર , વચ્ચે 2 દિવસ અને 18 ડિસેમ્બર નાં રોજ મતદારો પોતાનાં ભાવીનું ભવિષ્ય નક્કી કરશે, *કોણ હારશે કે કોણ જીતશે એ ખોટી વાત છે , સાચા અર્થમાં પ્રજા જીતશે, મતદારો જીતશે,* અને આ સમજ જે પક્ષને હશે એ જ પ્રજાની નજીક રહેશે , બાકી જેનાં મનમાં એવો વહેમ હોય કે હું જ કરું છું એ ખાંડ ખાય , કારણ *લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે , ભલે એનું ભાન ખૂદ પ્રજાને ના હોય.*

ચાલો આપ કરો આરામ 18 સુધી. અને રાજકારણીઓ તો બિચારા નીંદરની ગોળીઓ ખાઈને પણ હાલ ઊંઘી નહીં શકતા હોય.

– *જામ જયમલસિંહ એ.બી. જાડેજા.*
*મા આશાપુરા ન્યુઝ.*
ભુજ કચ્છ , ભારત.

*9428748643 વહાટસપ*
9725206123 થી 37.
7226006124 થી 33.
*Youtube : maa news live*
*Andriod app : maa news* 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *