ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના અંગે મોટી માહિતી,5 દિવસથી મોત સામે લડી રહ્યા છે 40 શ્રમિકો: વાયુસેનાના વિમાનો કામે લાગ્યા

Contact News Publisher

ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં છેલ્લાં 5 દિવસથી 40 જેટલા મજૂર ફસાયેલા છે. આ ટનલ 12 નવેમ્બરની સવારે અચાનક ધસી ગઈ હતી. અંદરથી ફસાયેલા મજૂરોને નિકાળવા માટે ગુરુવારે સવારે ‘અમેરિકન ઑગર’ મશીનને ઈંસ્ટોલ કરીને રેસ્ક્યૂનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનને બુધવારે સાંજે ભારતીય વાયુસેનાનાં હરક્યૂલિસ વિમાન દ્વારા દિલ્હીથી ઉત્તરકાશી લાવવામાં આવ્યું હતું. મજૂરોનાં રેસક્યૂ માટે નોર્વે અને થાઈલેન્ડની રેસ્ક્યૂ ટીમો પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ ગુરુવારે ટનલની અંદર નિરીક્ષણ માટે પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું કે મજૂરોનાં રેસક્યૂમાં વધુ 2થી 3 દિવસો લાગી શકે છે.

કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે કહ્યું કે,’ મજૂરો ટનલની અંદર 2 કિલોમીટરની ખાલી જગ્યા (બફર ઝોન)માં ફસાયેલા છે. આ ગેપમાં પ્રકાશ છે. પાઈપની મદદથી તેમને ખાવા-પીવાની સામગ્રીઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમને નિકાળવા માટે એક નવી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની પાવર અને સ્પીડ જૂની મશિન કરતાં વધારે સારી છે. અમારો પ્રયાસ 2-3 દિવસમાં આ રેસ્ક્યૂ ઓપરેશનને પૂર્ણ કરવાનો રહેશે.’

કેન્દ્રીય મંત્રીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે મજૂરોને નિકાળવા માટે રેસ્ક્યૂ ટીમોએ નોર્વે અને થાઈલેન્ડનાં એક્સપર્ટસ્ સાથે પણ વાતચીત કરી છે. તેમા થાઈલેન્ડની એ ફર્મ પણ સમાવિષ્ટ છે જેણે એક ગુફામાં 17 દિવસો સુધી ફસાયેલા 13 બાળકો અને તેમના ફુટબોલ કોચનો રેસક્યૂ કર્યો હતો.

ચારધામ પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગાંવની વચ્ચે ટનલ બનાવવામાં આવતી હતી. 12 નવેમ્બરનાં અચાનક જ આ ટનલનાં એન્ટ્રી પોઈન્ટથી 200 મીટર દૂર માટી ધસી આવી.  પરિણામે મજૂરો બફરનાં ઝોનમાં ફસાઈ ગયાં. મલબો 70 મીટર સુધી ફેલાઈ ગયો છે. ફસાયેલા મજૂરો બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનાં છે.