શું સાબરકાંઠા લોકસભા બેઠક પરથી બદલાશે ઉમેદવાર? વિવાદ વચ્ચે આજે આગેવાનો સાથે CMની બેઠક

Contact News Publisher

ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે મહત્વની બેઠક મળનાર છે. સાબરકાંઠા લોકસભા બેઠકનાં આગેવાનો મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. વિવાદ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સાબરકાંઠાનાં કાર્યકરો મુલાકાત કરશે. સાબરકાંઠા બેઠક પર ભાજપ ઉમેદવારને લઈ વિવાદ થયો હતો. ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું ભીખાજીનાં સમર્થનમાં કાર્યકરો દ્વારા રાજીનામાં આપતા વિવાદ વધી જવા પામ્યો હતો.

હર્ષ સંઘવી શુક્રવારે હિમતનગર પહોંચ્યા હતા
લોકસભાનો માહોલ જામી રહ્યો છે તેવામાં ભાજપને પહેલી વખત રાજ્યમાં ઉમેદવારોને લઇ અસમંજસનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠામાં હવે ભાજપ તેમના બીજા ઉમેદવાર એટલે કે શોભના બારૈયાને પણ બદલી ત્રીજા ઉમેદવારની શોધ શરૂ કરી છે.. સાબરકાંઠાના હિંમતનગરમાં હર્ષ સંઘવીએ બેઠક યોજતાં એવી ચર્ચા વહેતી થઇ હતી કે ભાજપમાં આંતરિક વિરોધ ખાળવા સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. જો કે બંધબારણે 3 કલાકથી ચાલી રહેલી બેઠકમાં સેન્સપ્રક્રિયા શરૂ કરી દેવાતાં હવે સાબરકાંઠામાં ત્રીજો ઉમેદવાર જાહેર થાય તેવી ચર્ચા શરૂ થઇ છે.

જિલ્લા ભાજપ પ્રમુખને બેઠકથી દૂર રખાયા
બેઠકમાં સાબરકાંઠાના પહેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરને બોલાવવામાં આવ્યા જે બાદ સેન્સ પ્રક્રિયા માટે તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક બેઠકમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઇ હતી. ત્યારે હવે શોભનાબેન બારૈયાના સ્થાને નવો ઉમેદવાર જાહેર થશે તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બોલાવાયેલી બેઠકમાં અરવલ્લીના ભીખુસિંહ પરમાર, MLA પી.સી.બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભીને બોલાવાયા હતા. જો કે અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશ પટેલને બેઠકથી દૂર રખાતા તર્ક વિતર્ક શરૂ થયા છે.