‘રૂપાલા સંભિવત ઉમેદવાર’, ધાનાણીએ માર્યો ટોણો, ભાજપે કર્યો વળતો ઘા

Contact News Publisher

રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ આજે પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદે યોજી હતી. જેમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને સંભવિત ઉમેદવાર કહેતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. જો કે ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ આ વાત કહેતા રૂપાલાની ટિકિટ પર સવાલો ઉભા થયા છે.

રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હજુ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ મામલે કોઈપણ પ્રકારનું સમાધાન થયું નથી. તેવામાં આજે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં રૂપાલાને ભાજપના સંભવિત ઉમેદવાર કહ્યા હતા. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રૂપાલાએ માતૃશક્તિને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમજ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવા આવ્યું છે. જ્યારે પરેશ ધાનાણીએ આમ કહીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ ખેડૂતોના પ્રશ્નો તેમજ આઉટસોસિંગના પ્રશ્નો ઉઠાવીને ભાજપને આડેહાથ લીધી હતી.જોકે રૂપાલ અને તેમને સંભવિત ઉમેદવાર કહેતા મામલો ગરમાયો હતો.

સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે
બીજી તરફ આ મામલે સૌરાષ્ટ્ર કચ્છના ભાજપના પ્રવક્તા રાજુએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સંભવિત વાતો બધી કોંગ્રેસમાં હોય છે. જ્યારે ભાજપમાં આ પ્રકારની વાતો હોતી નથી. આ બેબુનિયાદ વાતો કરીને કોંગ્રેસ શું સાબિત કરવા માંગે છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુની લીડથી જીતશે. તેમજ સૌરાષ્ટ્રની સાતે સાત લોકસભા બેઠકો પર ભાજપનો ભગવો લહરાશે. રાજુએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી અને ક્ષત્રિય સમાજના આશીર્વાદ પણ ચૂંટણીમાં રૂપાલાને જ મળશે.