એકાદ સેલ્ફી વૃક્ષ સાથે પણ થઈ જાય , શક્ય છે આપણે સેલ્ફીસ માંથી બહાર આવી જઈએ

Contact News Publisher
“તે હી નો દિવસા ગતા”  સંસ્કૃત નું આ એક સરસ સુભાષિત છે, ‘એ દિવસો હવે પાછા નહિ આવે’ . મિત્રો લોકો ભૂતકાળમાં સ્વાર્થ કરતા નિસ્વાર્થ જિંદગી વધારે જીવતા હતા, અને એટલે જ દરેક વ્યક્તિ નિસ્વાર્થ હોવાના કારણે એકમેકને મદદરૂપ અને ઉપયોગી થતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઇ છે .
સુહાગ રિંગ રોડ ઉપર જોવા મળતાં વડીલ વૃક્ષ
આજે વ્યક્તિ સ્વાર્થી બન્યો છે ,વાત છે ભુજના અનમ રિંગ રોડ થી આગળ જતા સુહાગ રીંગરોડ અને છઠ્ઠીબારી રિંગરોડ ની , આ બંને રસ્તા ઉપર બે સરસ મજાના મોટા પીપળા જોવા મળે છે , આપ ક્યારે અહીંથી પસાર થયા હો ત્યારે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે આ ઝાડ, મોટા તોતીંગ વૃક્ષ ,કેટલા વર્ષ જૂના હશે?  આ વૃક્ષને કોણ આવ્યા હશે ?  આજે અનેક પક્ષીઓ અને નીચે અનેક રાહદારીઓ અને નાના-મોટા ધંધાર્થીઓ અહીં આશરો લે છે ,પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે વૃક્ષ કોણે વાવ્યા હશે ? આજે આવા વૃક્ષની કલ્પના કરવી અશક્ય છે ,આજે વ્યક્તિ સ્વાર્થી બન્યો છે ,અનેક જગ્યાએ આવા વૃક્ષો આપણી ભૂતકાળની એક ધરોહરને યાદ અપાવે છે .
આપણા વડીલો નિઃસ્વાર્થ હતા, અને એટલે એમણે આ વૃક્ષો વાવ્યા છે .આજની પેઢી અપવાદ બાદ કરતાં એવું કોઈ સત્કાર્ય નથી કરતી જેમાં એમને કંઈ ફાયદો નથી મળવાનો. આ મોટા પીપળાના વૃક્ષ ઉપર કોઈની સિગ્નેચર જોવા નથી મળતી. આ વૃક્ષ કોણે વાવ્યા હશે, વાવ્યા પછી  એને પાણી કોણે આપ્યું હશે, એનો ઉછેર કોણે કર્યો હશે ,કોઈ પશુ એને નુકસાન ન પહોંચાડે એના માટે એનું રક્ષણ કોણે કર્યું હશે ? આવા અનેક સવાલો કોઈપણ સહૃદયી વ્યક્તિ અંદર ઉદભવે એ સ્વાભાવિક છે.
આ વૃક્ષો વાવનારની સિગ્નેચર શોધી , પણ મળી નહિ.
ભુજની ભરચક બજારમાં એક યોગી જેમ ધ્યાનમગ્ન પીપળો.
આ વૃક્ષો કોણે વાવ્યા હશે એની સાબિતી નથી મળતી, મળે છે માત્રને માત્ર છાંયડો, મળે છે પક્ષીઓને માળો , આપે ક્યારેય પણ આ વૃક્ષ જોઈને એકાદ વૃક્ષ વાવવાનો વિચાર કર્યો છે ખરો ? આપની ઉંમર જેટલી પણ હોય પરંતુ આપની આજની  ઉંમર સુધી આપે કેટલા વૃક્ષો વાવ્યા એનો સરવાળો કરશો તો કદાચ એક આંકડા થી વધારે સરવાળો નહીં હોય, અફસોસની વાત એ છે કે આપણે આવા અનેક વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, વડીલો એ પોતાની જવાબદારી નિભાવી આપણાં વચ્ચેથી વિદાય લીધી, આપણાં વડીલો  આજે આપણી વચ્ચે નથી ,આ વૃક્ષો વાવનારા વડીલો આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા છે, પરંતુ એમને યાદગીરી આજે પણ આ વૃક્ષમાં દેખાઈ આવે છે. આ વૃક્ષો જેમણે પણ વાવ્યા હશે , પાણી જેમણે પણ આપ્યું હશે ,રક્ષણ જેમણે પણ આપ્યું હશે ,એ તમામ વડીલો ને કોટી કોટી વંદન .
 આશા રાખીએ કે આવા વૃક્ષો જોઇ અને આ પેઢીને પણ એકાદ વૃક્ષ વાવવાનો વિચાર આવે, આ સ્ટોરીનો ઉદ્દેશ એ જ છે કે અહીંથી પસાર થતાં આ બે મોટા વૃક્ષો જોઈ આજની પેઢીને એકાદ વૃક્ષ વાવવાની ઈચ્છા થાય. આપ શક્ય હોય તેટલાં મિત્રોને આ સ્ટોરી શેર કરો , અહીંથી પસાર થતી વખતે આ મોટાં વૃક્ષોની તસવીર ખેંચો , એકાદ સેલ્ફી આ વૃક્ષો સાથે પણ લઈ લેજો . શક્ય છે વૃક્ષ સાથેની એક સેલ્ફી આપણે બધાને સેલ્ફીસ માંથી બહાર કાઢી લે.
આ સ્ટોરી વાંચી અને એકાદ વ્યક્તિ પણ એકાદ વૃક્ષ વાવશે તોય પણ આ સ્ટોરી સફળ થઈ ગણીશ.
– જામ જયમલસિંહ એ.બી. જાડેજા ,
મા આશાપુરા ન્યૂઝ ,
ભુજ- કચ્છ, ગુજરાત- ભારત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *