અછતમાં ‘નરેગા’ અંતર્ગત બે નવા મોડેલ તળાવો બનાવાશેઃ શહેરી-ગ્રામ્ય સહિત વાંઢોમાં પાણીની મુશ્કેલી પડવા નહીં દેવાય પાણી-લાઇનોમાં ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવા કલેકટરનો નિર્દેશ ભુજ ખાતે જિલ્લા અછત-રાહત સમિતિમાં લેવાયાં મહત્વના નિર્ણયો.

Contact News Publisher

  કચ્છમાં અછતનાં ઊભાં થતાં કાયમી પડકારને સુજલામ-સુફલામ જળસંચય અભિયાનથી ઉપાડી લેવા સાથે અછતના સંદર્ભમાં જળસંચય હેતુ ‘નરેગા’ યોજના હેઠળ બે નવાં મોડેલ તળાવો બનાવવા ઉપરાંત જિલ્લાના શહેરી-ગ્રામ્ય અને વાંઢ વિસ્તારોમાં વર્તમાન અછતની પરિસ્થિતિમાં પાણીની  કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે ટેન્કર પહોંચાડવા સહિત તાકીદે પગલાં લેવાં સાથે હાઇવે હોટેલો, કેટલકેમ્પ સંચાલકો સહિત સંબંધિતો દ્વારા નર્મદા કેનાલ કે પાણીની લાઇનોમાં કરાતાં ચેડાં અને ખેતીવાડી વીજ કનેકશનો દ્વારા પાણી ચોરીમાં થતાં ગેરઉપયોગ અટકાવવા સહિતના મહત્વનાં નિર્ણયો અછત-રાહત સમિતિની બેઠકમાં નિર્ણયો લેવાયાં હતા.

જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે શનિવારે સાંજે ભુજ ખાતે મળેલી જિલ્લા અછત-રાહત સમિતિની વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં સમગ્ર કચ્છમાં અછતના કપરાં દિવસોમાં કયાંય પણ પાણીની તંગી ન સર્જાય તેવાં તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની સાથે આગામી સમયમાં કચ્છમાં સુજલામ-સુફલામ અંતર્ગત જળસંચયની મહત્વની કામગીરી પુનઃ હાથ ધરી ખાતાકીય કામો સાથે નગરપાલિકા સહિતના તંત્રોને ફાળવેલા લક્ષ્યાંકો મુજબ કામગીરી આરંભી દેવા સહિત પ્રિ-મોન્સૂન કામગીરીને સુપેરે પાર પાડવા સૂચના અપાઇ હતી.

શ્રીમતી રેમ્યા મોહને અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સહિત અધિક નિવાસી કલેકટર કે.એસ.ઝાલાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અછતના સમયમાં કચ્છમાં ૩૫૦ તળાવો ઊંડા કરવાના કાર્યો સાથે ‘નરેગા’માં બે નવા મોડેલ તળાવો બનાવવા સાથે નગરપાલિકા વિસ્તારોની સાથે ગ્રામ્ય અને વાંઢ વિસ્તારોના પાણી પ્રશ્નોની રજૂઆતો, ચેકડેમ, બોર બનાવવાની માંગણી અને ભચાઉ વિસ્તારમાં વાંઢોમાં ટેન્કરની બહાલી બાદ ચાલુ કરાયાંનું જણાવાયું હતું.  ઉપરાંત કડોલ, રાપર, અબડાસા વિગેરે વિસ્તારોમાં બોરની માંગણી સંદર્ભે ચર્ચા-વિચારણા કરાઇ હતી. અછતના સમયમાં કોઇ પણ વિસ્તારમાં પાણીની જરૂરિયાત સંતોષવા પરિસ્થિતિનું સતત આંકલન કરતાં રહેવા બેઠકમાં નિર્દેશો અપાયાં હતા.

જરૂર પડે પશુધન માટે પાણીના અવાડાના ભરવા ટેન્કરથી ફેરાં કરાતાં હોવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું. જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને પાણીની પરિસ્થિતિ અને વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા અને પાણીની લાઇનો સાથે ચેડા કરવા સાથે ગામના સમ્પ સુધી પાણી પહોંચાડવામાં અડચણરૂપ તત્વો સામે કાર્યવાહી કરવા જરૂર પડ્યે પોલીસ ટીમની મદદ લેવા અને વીજતંત્રને ખેતીવાડીના વીજ જોડાણો દ્વારા નર્મદા કેનાલમાંથી થતી પાણી ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં  ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી,, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર એ.એસ.ગુરવા, નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિય, સિંચાઇ વિભાગના આર.જી.સોનકેસરિયા, વાસ્મોના ડી.સી.કટારિયા, પાણી પુરવઠા વિભાગના પી.એ.સોલંકી, કા.ઇ.યાંત્રિક એ.જે.લધર, સહિત એ.પી.તિવારી, સી.ઓ. નિતીન બોડાત, કચ્છ બ્રાંચ કેનાલના એ.એન.મહેતા, બી.એમ.નાઇક, મનરેગા-ડીઆરડીએના એ.સી.પરમાર,જે.એમ.જોષી,વન વિભાગના બી.જે.અસારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *