વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડી નરેન્દ્ર મોદીને મળ્યા, શપથવિધિમાં આવવા નિમંત્રણ આપ્યું

Contact News Publisher

આંધ્ર પ્રદેશમાં જંગી બહુમતિ સાથે સરકાર રચવા જઈ રહેલા વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગન મોહન રેડ્ડીએ રવિવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. મુલાકાત ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહી હતી અને વડાપ્રધાન મોદીએ જગન રેડ્ડીને ગળે લગાવીને તેમને આવકાર્યા હતા. વાયએસઆર કોંગ્રેસના પ્રમુખે વડાપ્રધાનને શાલ તેમજ તિરુપતિ બાલાજીની તસવીર ભેંટ સ્વરૂપે આપી હતી. જગન મોહન રેડ્ડીએ પોતાના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાનને હાજર રહેવા નિમંત્રણ પણ આપ્યું હતું. 30મી મેના જગન રેડ્ડી સીએમ પદના શપથ લેશે. અગાઉ 2015 અને 2017માં જગન મોહને વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીના પુત્ર વાયએસ જગન મોહન રેડ્ડીની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં 175 બેઠકો પૈકી 151 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો. જગને રાજ્યમાં ચંદ્રાબાબુ નાયડુની સરકારને જોદરદાર પછડાટ આપી હતી. ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપીને ચૂંટણીમાં ફક્ત 23 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

આંધ્ર પ્રદેશની લોકસભા ચૂંટણીમાં પણ 25 પૈકી વાયએસઆરે 22માં જીત મેળવી હતી. બીજીતરફ દિલ્હીમાં મહાગઠબંધનના નેતાઓને મળવા વ્યસ્ત જણાતા ચંદ્રાબાબુની પાર્ટીને ત્રણ બેઠકો જ મળી હતી.

2009માં જગનના પિતા અને રાજ્યના મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીનું હેલીકોપ્ટર તૂટી પડવાથી મોત નિપજ્યું હતું. ત્યારબાદ 2011માં કોંગ્રેસ સાથે વાંધો પડતા જગન મોહન રેડ્ડીએ પોતાનો અલગ પક્ષ રચ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *