શરતો સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની રાહુલની તૈયારી

Contact News Publisher

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાને લઈને સસ્પેન્સ ઘેરાયા બાદ હવે ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસની કારોબારીમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ કર્યો હોવાનું તેમજ ગાંધી પરિવાર બહારના કોઈને અધ્યક્ષ પદ સોંપવામાં આવે તેવી માગણી કરી હોવાનું જણાવ્યું હતું. સોમવારે કોંગ્રેસના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીની મુલાકાત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ રાહુલે મળવાનું ટાળ્યું હતું. મંગળવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા તેમજ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે રાહુલ ગાંધી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ સૂત્રોના મતે રાહુલ ગાંધીએ કેટલીક શરતો સાથે અધ્યક્ષ પદે યથાવત્ રહેવાની તૈયારી દર્શાવી છે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવા માટે જણાવ્યું હતું જેના માટે પક્ષના દિગજ્જ નેતાઓએ પણ તૈયારી દર્શાવી છે. આજે રાહુલને કોંગ્રેસના નેતાઓએ મળીને જણાવ્યું કે હાલમાં પક્ષને અન્ય વિકલ્પ મળી રહ્યો નથી. પક્ષમાં તેમને ઈચ્છા મુજબ પરિવર્તન કરવા તેમજ ચલાવવા નેતાઓએ જણાવ્યું હતું જેને પગલે રાહુલનું વલણ નરમ પડ્યું હતું. રાહુલ સાથે સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે પણ મુલાકાત કરી હતી. અગાઉ રાહુલ ગાંધીએ કારોબારીમાં પોતાના રાજીનામું આપવા મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો જોકે કારોબારી સભ્યોએ તેમના રાજીનામાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાહુલ ગાંધી આગામી બે દિવસ માટે વાયનાડ મુલાકાતે જશે. અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાદ વાયનાડ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુલ ગાંધી પક્ષના વરિષ્ઠ નેતાઓથી ઘણા નારાજ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પોતાના પુત્રોને રાજકીય ક્ષેત્રે પ્રસ્થાપિત કરવા મહેનત કરી રહ્યા છે અને પક્ષને મજબૂત કરવામાં તેમનો ખાસ ફાળો નથી તે બાબતથી રાહુલ ગાંધી નારાજ હોવાનું જણાય છે. જો કે આગામી સમયમાં કોંગ્રેસના બંધારણ સહિત પક્ષમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

 

 

1 thought on “શરતો સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની રાહુલની તૈયારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *