ચુકાદામાં બાળકનું મોત કેવી રીતે લખી નાખીએ? 26 સપ્તાહના ગર્ભપાત કેસમાં સુપ્રીમની અગત્યની ટિપ્પણી

Contact News Publisher

27 વર્ષની મહિલાએ 26 અઠવાડિયાનાં ગર્ભપાતની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ગુરુવારે CJI ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરી અને 1 દિવસનો સમય આપ્યો. SCએ કહ્યું કે 26 અઠવાડિયાથી ગર્ભમાં વિકસી રહેલા બાળકને જન્મ આપી શકાય છે. ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની સ્થિતિમાં બાળકનાં હદયને બંધ કરવું પડે. કોર્ટે કહ્યું કે ભલે બાળક ગર્ભમાં છે પણ એ બાળકને પણ અધિકાર મળેલા છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે ગર્ભવતી મહિલાનું કહેવું છે કે તેને બાળક નથી જોઈતું. તો આ બાળક કોઈને દત્તક આપી શકે છે. તેવામાં બાળકને વધુ થોડા સમય સુધી ગર્ભમાં શા માટે નથી રાખી શકતી? થોડા સમય બાદ સી સેક્શનનાં માધ્યમથી પ્રસુતિ કરાવી શકે છે.જો કે બાળક એક સધ્ધર બાળક છે. એઈમ્સની સામે એક ગંભીર નૈતિક દુવિધા હતી. જો ભ્રૂણમાં બાળકનું હદય બંધ ન કરવામાં આવ્યું તો તે જીવિત પેદા થશે.

CJI એ કહ્યું કે આ મહિલા પર હિંસા કે યૌન હિંસાનો મામલો નથી. તે એક પરણિત મહિલા છે અને તેના 2 સંતાનો પણ છે. તમે 26 અઠવાડિયા સુધી કઈ રીતે રાહ જોઈ? તમે ઈચ્છો છો કે અમે બાળકનું હદય બંધ કરાવવા માટે એઈમ્સને આદેશો આપીએ? CJIએ કહ્યું કે આપણે અજન્મેલા બાળકનાં અધિકારોનું સંતુલન કરવું પડશે. ગર્ભમાં બાળક માત્ર ભ્રૂણ નથી, ગર્ભમાં વિકસી રહેલ બાળક એક જીવિત વાઈબલ ભ્રૂણ છે અને જ્યારે બાળકને જન્મ આપવામાં આવશે તો તે બહારની દુનિયામાં પણ જીવિત જ પેદા થશે.

તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જો બાળકની અત્યારે પ્રસૂતિ કરવામાં આવે તો તેમાં ગંભીર મેડિકલ સમસ્યાઓ થશે. તેવામાં વધુ 2 સપ્તાહ રાહ શા માટે ન કરવામાં આવે?  મહિલા અનુસાર ગર્ભમાં વિકસી રહેલ બાળકને મારી દેવું જ એક વિકલ્પ છે પણ જ્યાં સુધી ન્યાય વ્યવસ્થાની વાત છે તો બાળકને મોતની સજા કઈ રીતે આપી શકાય?