કોબામાં ગટર લાઈનના ખોદકામ બાદ ઠેરઠેર ખાડા : વાહનો ફસાયા

Contact News Publisher

 ગાંધીનગર શહેર જેવી જ હાલત હાલ ન્યુ ગાંધીનગરમાં થવા પામી છે અને કોબામાં ગટર લાઈનના ખોદકામ બાદ પડેલા વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી છે. ઠેકઠેકાણે પડેલા ખાડાઓને કારણે વાહનો ફસાઈ ગયા હતા. જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો ત્યારે હવે કોર્પોરેશનનું તંત્ર દોડતું થયું છે અને એજન્સીને યોગ્ય પુરાણ કરવા માટે સૂચના આપી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણીનો પુરવઠો આપવા માટે નાખવામાં આવતી પાણીની લાઈન તેમજ ગટર લાઈનના ખોદકામના કારણે છેલ્લા દોઢ વર્ષથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એટલું જ નહીં છેલ્લા બે ચોમાસા દરમિયાન ઠેકઠેકાણે સેક્ટરોમાં ખાડા પડવાની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ કોબા ગામમાં પણ છેલ્લા ઘણા સમયથી એજન્સી દ્વારા ભૂગર્ભ ગટર યોજના માટે નવી લાઈનો નાખવામાં આવી રહી છે.

જેના માટે અલગ અલગ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. જોકે ખોદકામ બાદ યોગ્ય પુરાણ નહીં થયું હોવાનું સ્થાનિકો દ્વારા એજન્સીના કહેવાયું હતું પરંતુ એજન્સી દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા. ત્યારે ગઈકાલે પડેલા કમોસમી વરસાદને કારણે કોબા ગામમાં સ્થિતિ બદતર બની ગઈ હતી. ઠેકઠેકાણા ખાડા પડી જવાને કારણે વાહનો ફસાઈ ગયા હતા તો લોકોને કાદવ કીચડને કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું.  સ્થાનિકો દ્વારા આ મામલે સ્થાનિક કોર્પોરેટરો અને કોર્પોરેશન તંત્રનું ધ્યાન દોરવામાં આવતા હવે યોગ્ય પુરાણ માટેની કામગીરી શરૃ કરવામાં આવી છે ત્યારે લાખો કરોડો રૃપિયાના કોન્ટ્રાક્ટ લઈને કામમાં વેઠ ઉતારતી આવી એજન્સીઓ સામે કડક પગલા ભરવા જરૃરી લાગી રહ્યા છે. એટલું જ નહીં કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી ઉપર મોનિટરિંગ કરવા માટે યોગ્ય ટીમોને પણ મૂકવી જરૃરી છે.