પોલીસ કમિશનર વિહોણા સુરત શહેરમાં હત્યાનો ઘટનાક્રમ યથાવત, તાપીમાંથી યુવકનો મળ્યો મૃતદેહ

Contact News Publisher

સુરત શહેર છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વિહોણું છે. છેલ્લા ત્રણ ચાર દિવસમાં પાંચમી હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો ઘટનાક્રમ યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ત્યારે સિંગણપોર કોઝ વે ખાતેથી તાપી નદીમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ગૃહરાજ્ય મંત્રીનું હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરા ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દેહશત વ્યાપી ગઈ છે. ચોક બઝાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બૉડીને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અજાણ્યા યુવકના મૃતદેહને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે. યુવકે આછા કાળા કલરનું 07 ખભા પર લખેલું ટી શર્ટ પહેર્યું છે. જેના આધારે હાલ તપાસ આદરી દેવામાં આવી છે. એક પછી એક હત્યાને લઈને પોલીસની કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.

Exclusive News