બિસ્માર રોડ લોકો માટે આફત બન્યો, વાહન ક્યાં ચલાવવું એ મૂંઝવણ

Contact News Publisher

ગુણવત્તા ભર્યા રોડ અને હાઇવે વિકાસની ગતિ માટે પાયાની જરૂરિયાત છે. પરંતુ ભ્રષ્ટાચારનો શિષ્ટાચાર આપણા રોડમાં મોટા ગાબડા પાડી ગયો છે. જેના કારણ વિકાસની યાત્રા નિર્ધારિત સમયમાં પોતાની મંજિલ સુધી નથી પહોંચતી. આપણે આજે વાત કરવી છે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કોરડા ગામથી પસાર થતા રોડની. છેલ્લાં ઘણા સમયથી અહીંનો બિસ્માર રોડ લોકો માટે આફત બની ગયો છે. ત્યારે જનતાને પડી રહી છે પારાવાર મુશ્કેલી.

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચૂડા તાલુકાનાં કોરડાગામથી સુદામડા અને ચોકજીને જોડતા રોડ હાલ વાહન ચાલકો માટે રાહત બનવાને બદલે શ્રાપ રૂપ બની ગયો છે. 13 કિલોમીટરનો આ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે.  આ રોડની હાલત એટલી ખરાબ છે કે, જો તમે બાઈક લઈને નીકળો તો અકસ્માતનો ડર સતત રહે છે. વધારે મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે કોઈ દર્દીને દવાખાને લઈ જવાના હોય. ખાસ કરીને સગર્ભા મહિલાઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. અનેકવાર એવી ઘટના બની ચૂકી છે. જ્યારે સગર્ભાઓની રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હોય છે.

રાજ્યમાં રોડ કનેક્ટિવિટીને લઇને મસમોટા દાવાઓ કરાઇ રહ્યા છે. પરંતુ જમીની હકિકત કંઈક અલગ જ છે. નેતાઓ ચૂંટણી સમયે વાયદાઓ કરીને જતા રહે છે. પરંતુ ચૂંટણી જીત્યા બાદ આ વાયદાઓ માત્ર વાયદા બનીને રહી જાય છે. અને અંતે જનતાના નસીબમાં તો હાડમારી જ સહન કરવાનો વારો આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, બિસ્માર રોડને કારણે હાડમારી ભોગવતા કોરડા સહિત આસપાસના ગામલોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે.

Exclusive News