પાણીના વહેણમાં બાઈક ચાલક તણાયો:માંડવીના મોટા ભાળિયાં પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક ચાલક તણાયો, લોકોએ મહામહેનતે બચાવ્યો

Contact News Publisher

કચ્છમાં સતત છ દિવસથી મેઘમહેર થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. તેમાં ગઈકાલે પડેલા સાર્વત્રિક વરસાદથી નદી નાળા અને ધોરીમાર્ગના કોઝ-વે પર જોશભેર પાણી ફરી વળ્યા હતા. ત્યારે માંડવીના મોટા ભાડિયા અને ગુંડિયાદી વચ્ચેના માર્ગ પર વરસાદી પાણી વહેતા થયા હતા. તેમાં માર્ગ પરના કોઝ-વે ઉપરથી પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતો બાઈક ચાલક ફસાઈ ગયો હતું. પાણીના ધોધમાં બાઇક તણાવા લાગ્યું હતું. જોકે, સ્થળ પાસે ઉપસ્થિત લોકોએ પાણીના પ્રવાહમાં દોડી જઇ બાઈક અને ચાલક અને બાઇક બન્નેને પકડી રાખ્યા હતા અને મહામહેનતે બાઈક સાથે ચાલકને બહાર લાવી બચાવી લીધો હતા. વરસાદના પગલે સર્જાયેલી આ સ્થતિનો વીડિયો બાદમાં વાઇરલ થયો હતો.

જર્જરિત કોઝ-વે પરથી પસાર થવું જોખમી
ગઈકાલે માંડવી વિસ્તારમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેને લઈ અનેક નદીનાળામાં પાણી વહી નીકળ્યા હતા. ત્યારે માંડવીના મોટા ભડિયા અને ગુંડિયાદી વચ્ચેન માર્ગ પરના કોઝ-વેમાં વહેતા પાણીમાં એક બાઈક ચાલક રસ્તો પસાર કરતી વેળાએ ફસાઈ ગયો હતો. જેને ઉપસ્થિત લોકોએ બચાવી લીધો હતો. લોકોએ તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કોઝ-વે છેલ્લા ચાર વર્ષથી બિસમાર હાલતમાં છે, જેની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લેવાયો નથી જેના કારણે વર્ષા ઋતુ દરમિયાન અહિંથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે.

કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘ મહેર
કચ્છમાં સતત પાંચ દિવસથી મેઘરાજાએ રોકાણ કર્યું છે. ગઇકાલે જિલ્લાના પશ્ચિમ વિભાગના તમામ તાલુકાઓ પર મેઘમહેર થઈ હતી. અડધાથી ચાર ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી જ પાણી થયું હતું. અબડાસા, માંડવી, લખપત, નખત્રાણા, મુન્દ્રા અને ભુજ સહિત તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. માંડવી અબડાસાના ગ્રામ્ય વિસ્તારના નાની ઉનડોઠ, ઐડા, મોથાળા, સહિતના ગામોની નદીઓ બે કાંઠે વહી નીકળી હતી. આ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. મેરાઉ પાસે દાડમની વાડીમાં વ્યાપક વરસાદથી પાક પાણીમાં ખરી પડ્યો હતો. જેને લઈ ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અબડાસામાં 4 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, લખપતમાં 1 ઇંચ, માંડવીમાં 2.5 ઇંચ, મુન્દ્રામાં 4 અને ભુજ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *