ઈ ચલણ બાકી હોવાના નામે વાહન ચાલકો સાથે ફ્રોડ, આરોપીની મોડસ ઓપરેન્ડી સાંભળી ચોંકી જશો

Contact News Publisher

જો તમને કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને તેમાં ગુજરાત પોલીસનો લોગો લગાવ્યો હોય તેમજ અમદાવાદ પોલીસ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ માંથી બોલું છું, તમારો ઈ મેમો ભરવાનો બાકી છે. ઈ મેમો નહિ ભરો તો તમારી અટકાયત કરવા માટે પોલીસ ઘરે આવશે અને કોર્ટમાં પેનલ્ટી સાથે દંડ ભરવો પડશે. જો ફોનમાં કોઈ આવી વાત કરે તો હવે ચેતી જજો. કેમ કે લોકોને ઈ ચલણ ભરવા પોલીસના નામે ફોન કરતી એક ગેંગ સક્રિય થઈ હતી.આ ગેંગ દ્વારા પહેલા લોકોને ફોન કરવામાં આવતા હતા. આ ગેંગ દ્વારા ઈ મેમો ભરવા માટેની જે ઓરિજનલ વેબસાઇડ છે તેવી જ ખોટી વેબસાઇડ પણ બનાવી હતી અને લોકોને તે ખોટી વેબસાઇડ ઈ મેમોની રકમ ભરાવતા હતાં. આ ગેંગ દ્વારા અમદાવાદના અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જોકે સમગ્ર મામલો ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડનાં રાંચી થી સુધાંશુ ઉર્ફે ચીકુ મિશ્રાની ધરપકડ કરી છે.

આરોપી સૌ પહેલા ગૂગલમાં અમદાવાદ ટ્રાફિક ફાઈન સર્ચ કરતા હતા. ત્યારબાદ અમદાવાદ સીટી પોલીસનું પેજ ખોલી તેમાં E  Challan ની સિસ્ટમનું પોર્ટલ ઓપન કરવામાં આવતું હતું, તેમાં અમદાવાદ પાર્સિંગનાં વાહનના કોઈ પણ નંબર રેન્ડમલી નાખવામાં આવતા હતા. જે વાહનના E  Challan બાકી હોય તે નંબર નોટ કરી લેવામાં આવતો હતો. બાદમાં આ વાહનનો નંબર રોયલ સુંદરમ રિન્યુઅલ નામની વેબ સાઇડ પર ઇન્સ્યોરન્સ પેજમાં આ વાહનના નંબર નાખી તેના ચેસીસ નંબર મેળવતા હતા.

આરોપીઓ પાસે વાહન નંબર તેના ચેસીસ નંબર આવી ગયા બાદ M પરિવહન એપ્લિકેશનમાં વાહન અને ચેસીસ નંબર નાખતા વાહન ચાલકની તમામ ડીટેલ અને મોબાઈલ નંબર પણ મળી જતો હતો. જે બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસના ચલણ પેમેન્ટ સિસ્ટમના વેબ પેજ પર વાહનના ઈ મેમોની વિગતો મેળવતા હતા અને બાદમાં જે તે વાહન ચાલકના મોબાઈલ નંબર ઉપર કોલ કરતા હતા.વાહન ચાલકોને ફોન કરી તેમના ઈ મેમોની વિગત જણાવતા હતા અને તે ફાઈન નહીં ભરે તો તેમના ઘરે પોલીસ આવશે અને કોર્ટમાં તેમણે દંડ ભરવો પડશે તેવું જણાવતા હતા અને જો સામેથી વાહન ચાલક દંડ ભરવા તૈયાર થઈ જાય તો તેમને આરોપીઓ ક્યુઆર કોડ અથવા તો તેમણે બનાવેલી ખોટી વેબસાઈટની લીંક મોકલતા હતા. જેના આધારે વાહન ચાલક તે ખોટી વેબસાઈટમાં પોતાના ચલણની રકમ ભરતા હતા.આરોપીઓ વાહન ચાલકને જણાવતા કે તેમનો ઈ મેમો આગામી 72 કલાકમાં ક્લિયર થઈ જશે. જોકે અમુક સમયે વાહન ચાલકો ઓનલાઈન ફ્રોડ થાય છે તેવું પણ જણાવતા હતા તો આરોપીઓ તેમને google પર નજીકના ટ્રાફિક પોલીસ સર્ચ કરી ત્યાં પોતાનો મેમો ભરી દેવાનું પણ જણાવતા હતા.