મોંઘવારીનો ભડકો.. સીંગતેલનો ડબ્બો 3200એ પહોંચ્યો, કેમ વધ્યા તેલ ભાવ?

Contact News Publisher

નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ સીંગતેલનાં ભાવમાં પણ ઉછાળો આવી રહ્યો છે. અમદાવાદનાં તેલીબાયા માર્કેટમાં એક અઠવાડિયામાં સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ત્યારે સીંગતેલનાં ભાવમાં રૂા. 30 નો વધારો થતા હવે સીંગતેલનો ડબાનાં રૂા. 3200 થયા હતા. તેલનાં ભાવ વધતા મધ્યમ વર્ગને વધુ એક માર પડ્યો છે.

આ બાબતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ સીડ્સ એસોસિયેશનનાં પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવકમાં હાલ ઘટાડો નોંધાયો છે. જેથી 95 ટકા મિલો બંધ છે. જ્યારે 5 ટકા મિલો જ ચાલુ છે. ત્યારે સામાન્ય રીતે બે મહિનાથી ઉત્તર પ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હતો. પરંતું ચાલુ વર્ષે ત્યાં ચોમાસુ વહેલું બેસી જતા પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. જેનાં કારણે બે મહિનામાં ઉત્તર પ્રદેશથી આવતી મગફળીની આવક ઘટતા હાલ માલની  અછત સર્જાઈ છે.

હાલ તો નવી મગફળીની આવક ચાલુ થવા પામી છે. ત્યારે રાજકોટ તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ હતી. પરંતું આ મગફળીનો વધુ પડતો ઉપયોગ કરીયાણા તેમજ સીંગદાણામાં થાય છે.  જેથી પીલાણ માટે ચાલે એવી મગફળી હાલમાં આવતી નથી. અને વરસાદ થવાથી પીલાણ લાયક મગફળીની અછત સર્જાઈ છે. ત્યારે હજુ આગામી દિવસોમાં સીંગતેલનાં ભાવમાં વધારો થઈ શકે છે.

હાલમાં સીંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. તહેવારો નજીકમાં આવી રહ્યા છે તેમ તેમ સીંગતેલનાં ભાવ આસમાને જઈ રહ્યા છે. ત્યારે જે લોકો પાસે મગફળી છે એ લોકો જરૂર પૂરતો જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે. જેથી મિલોમાં પીલાણ માટે મગફળી ઓછી આવી રહી છે. હજુ પણ સીંગતેલનાં ભાવમાં તેજી આવવાની શક્યતા છે.