નાની બચત યોજનામાં રોકાણકારોને મોદી સરકારની ભેટ, વ્યાજ દરોમાં આપી વૃદ્ધિ

Contact News Publisher

નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24નાં ત્રીજા ક્વાર્ટર ઑક્ટોબરથી ડિસેમ્બર માટે સ્મોલ સેવિંગ યોજનાઓનાં વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે જ્યારે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ સહિત કિસાન વિકાસ પત્રનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી.

20 બેસિસ પોઈન્ટનો વધારો
નાણામંત્રાલયે ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટેનાં વ્યાજદરોની ઘોષણા કરી છે. 5 વર્ષનાં રેકરિંગ ડિપોઝિટનાં વ્યાજદરોને 6.5%થી વધારીને 6.7% કરી દેવામાં આવ્યું છે. ટૂંકમાં વ્યાજદરોમાં 20 બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યાં છે. જ્યારે પોસ્ટ ઓફિસની અલગ-અલગ સ્કીમોનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યાં નથી.

આ સ્કીમોનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં

  • 1 ઑક્ટોબરથી લઈને 31 ડિસેમ્બર 2023 દરમિયાન સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8% વ્યાજ મળશે.
  • નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 7.7%નું વ્યાજ મળશે.
  • કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારાઓને 7.5%નું વ્યાજ મળશે.
  • સીનિયર સેવિંગ સ્કીમ 8.2%નું વ્યાજ આપશે.
  • પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ એકાઉન્ટ સ્કીમમાં રોકાણ કરવા પર 7.4%નું વ્યાજ આપવામાં આવશે.
  • એક વર્ષની ડિપોઝિટ પર 6.9%નું વ્યાજ અને 2 વર્ષનાં ડિપોઝિટ પર 7%નું વ્યાજ અને 5 વર્ષનાં ડિપોઝિટ સ્કીમ પર 7.5% વ્યાજ મળશે.

PPFનાં રોકાણકારોને કોઈ ફાયદો નહીં
ફરી એકવાર પબ્લિક પ્રોવિડેંટ ફંડનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યાં. તેમાં રોકાણ કરનારાઓને માત્ર 7.1% વ્યાજ આપવામાં આવશે. એપ્રિલ 2020 બાદથી જ પીપીએફનાં વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યાં. જો કે RBIએ રેપોરેટમાં 2.50%નો વધારો કર્યો છે. સરકારે તમામ બચત યોજનાઓનાં વ્યાજદરો વધાર્યાં છે પણ પીપીએફમાં રોકાણ કરનારાઓને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.