CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 157 નગરપાલિકાઓ માટે રૂ.100 કરોડની ગ્રાન્ટ કરી મંજૂર, રોડ-રસ્તા ચકાચક કરાશે

Contact News Publisher

ચોમાસામાં વરસાદને કારણે નગરોમાં માર્ગોને થયેલા નુકસાનની મારામત માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્‍વયે રકમ ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.  મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.

100 કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1 કરોડ પ્રમાણે 22 કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની 30 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 80 લાખ પ્રમાણે કુલ 24 કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની 60 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 60 લાખ મુજબ કુલ 36 કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની 45 નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા 40 લાખ પ્રમાણે કુલ 18 કરોડ રૂપિયા આવા રોડ રિસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.

નગર પાલિકાઓને રસ્તાના મરામત – રિસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં 100 કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારી કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.