ભારત-પાકિસ્તાન મેચને લઈને ગુજરાતમાં અલર્ટ, અમદાવાદમાં 6000 પોલીસ કર્મચારી તૈનાત

Contact News Publisher

અમદાવાદમાં આજે યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે ODI World Cup 2023ની મેચ બાદ કોઈ સરઘસ કાઢવામાં આવશે નહીં. પોલીસે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આવતીકાલથી નવરાત્રીના ગરબા ઉત્સવનો પ્રારંભ થશે. આ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈપણ પ્રકારની વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્ય રિઝર્વ પોલીસ (SRP) અને સ્થાનિક પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ (RSF) ચાર દરવાજા વિસ્તાર અને શહેરના અન્ય સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના મુખ્ય સ્ટેટ હાઈવે પર પણ બેરીકેટીંગ કરવામાં આવશે.

આ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વાડી, પાણીગેટ, કારેલીબાગ, સીજી રોડ અને વારસિયા જેવા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. અન્ય વિસ્તારોમાં જ્યાં ફોર્સ તૈનાત કરવામાં આવશે તેમાં અટલ બ્રિજ, અકોટા, દાંડિયા બજાર રોડ અને ફતેગંજનો સમાવેશ થાય છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ભારત-પાકિસ્તાન મેચ બાદ વિજય સરઘસમાં કોઈ વિવાદ કે ઘટના ન બને તે માટે આ નિર્ણય લીધો છે.

ગુજરાતના પોલીસ વડાઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન અસામાજિક તત્વો અને સંવેદનશીલ વિસ્તારો પર ચાંપતી નજર રાખીને ‘એલર્ટ મોડ’ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ (RAF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના 6000 પોલીસકર્મીઓ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુરક્ષાના પાંચ પાસાં હશે, સ્ટેડિયમ અને દર્શકોની સુરક્ષા, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા, ક્રિકેટ ટીમોની સુરક્ષા, અસામાજિક તત્વો પર નજર રાખવી અને સમગ્ર રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તેની ખાતરી કરવી.

ગુજરાત પોલીસના તમામ એકમો રાત્રે 8:00 વાગ્યા પછી એલર્ટ મોડ પર

વિકાસ સહાયે વધુમાં કહ્યું હતું કે, ‘ગુજરાત પોલીસ ફોર્સ ક્રિકેટ મેચ કોઈપણ મુશ્કેલી વિના યોજાય તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અસામાજિક તત્વો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે અમે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પણ સામેલ કર્યા છે. મેચ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ સમાપ્ત થશે, તેથી રાજ્યભરના ગુજરાત પોલીસના તમામ એકમોને આજે રાત્રે 8:00 વાગ્યા પછી એલર્ટ મોડ પર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’

તમામ પોલીસ વડાઓની સંવેદનશીલ વિસ્તાર પર કડક નજર

ડીજીપી વિકાસ સહાયે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ‘રાજ્યના વિવિધ ભાગોમાં તેમના મુખ્ય મથક પર તૈનાત તમામ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) એકમોને પણ કોઈપણ કટોકટીના કિસ્સામાં ઝડપી તૈનાત માટે ‘એલર્ટ મોડ’ પર મૂકવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘મેચ દરમિયાન અથવા પછી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે રાજ્યભરના તમામ પોલીસ અધિક્ષકો, પોલીસ કમિશનરો અને રેન્જ આઈજીને સંવેદનશીલ વિસ્તારો તેમજ અસામાજિક તત્વો પર કડક નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ડીજીપી તરીકે હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસે પૂરતા પગલા લીધા છે.’