ભાવનગર મનપાની તવાઈ, 11 દિવસમાં 387 રખડતા ઢોર પકડયા

Contact News Publisher

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હતો તેથી મનપા દ્વારા કામગીરી કરવામાં આવતી હતી પરંતુ થોડા દિવસથી કામગીરી ધીમી પડી ગઈ હતી. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ ભાવનગર મહાપાલિકાની ટીમ ફરી સક્રીય થઈ છે અને રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી બનાવી છે, જેના પગલે છેલ્લા ૧૧ દિવસમાં આશરે ૩૮૭ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા છે.

મહાપાલિકામાં રખડતા ઢોર પકડવાનો કોન્ટ્રાકટ પૂર્ણ થતા કામગીરી ધીમી થઈ ગઈ હતી પરંતુ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભાવનગર મહાપાલિકાએ ફરી રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ કરી છે. ગત તા. ર૭ ઓકટોબરથી મનપાએ રખડતા ઢોર પકડવાની કામગીરી ઝડપી શરૂ કરી હતી અને આજે તા. ૬ નવેમ્બરને સોમવારે પણ ઝડપી કામગીરી યથાવત છે. મહાપાલિકાની ટીમે ભરતનગર, સુભાષનગર, ઘોઘા રોડ, એરપોર્ટ રોડ, મહિલા કોલેજ સર્કલ, આંબાવાડી, ચિત્રા, કુંભારવાડા, કાળાનાળા સહિતના વિસ્તારમાંથી ૧૧ દિવસમાં આશરે ૩૮૭ રખડતા ઢોર પકડી ઢોર ડબ્બામાં પુરી દીધા હોવાનુ મનપાના સુત્રોએ જણાવેલ છે. આજે સોમવારે પણ ભરતનગર સહિતના વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી મનપાએ હાથ ધરી હતી. મહાપાલિકાએ રખડતા પશુ પકડવાની કામગીરી ઝડપી શરૂ કરી છે તેથી પશુઓને છુટા મુકી દેતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ મહાપાલિકા દ્વારા ઢોર છોડાવવાનો દંડ પણ આકરો લેવામાં આવી રહ્યો છે તેથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે.

મનપા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી ઝડપી કરવા માટે મનપાના કેટલાક અન્ય વિભાગના કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી છે. ઢોર પકડવાની ટીમમાં સ્ટાફ વધી જતા કામગીરી ઝડપી બની છે અને ફટાફટ રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. મહાપાલિકાએ રખડતા ઢોર પકડવા લાલ આંખ કરતા કેટલાક પશુપાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી હજુ ઝડપી કરાશે અને વધુમાં વધુ રખડતા પશુ પકડવામાં આવશે તેમ જાણવા મળેલ છે.